મુંબઈગરા માટે આવ્યા ગુડ ન્યૂઝઃ આ સુવિધા ઊભી કરવા એમએમઆરડીએ સજ્જ થયું
મુંબઈ: દેશના સૌથી ગીચ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે પ્રશાસન દ્વારા રેલવે, મેટ્રો સહિત અન્ય કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે. જોકે મુંબઈ જેવા આર્થિક મહાનગરમાં સૌથી પહેલી પહેલો રોપ-વે મળવાનો છે.
મુંબઈમાં રોપ-વે માટે એમએમઆરડીએ દ્વારા ડીટેલ પ્રોજેકટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એમએમઆરડીએએ આ પ્રકલ્પ માટે મુંબઈના બોરીવલી નજીક ગોરાઈ અને પેગોડા વચ્ચે આઠ કિલોમીટર લાંબો રોપ-વે નિર્માણ કરવા માટે ડીપીઆર બનાવવાનો નિર્ણય લીધો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બોરીવલીથી ગોરાઈ અને પેગોડા જવા માટે લોકોએ ફેરી વડે પ્રવાસ કરવો પડે છે. મુંબઈના આ ખાડી વિસ્તારને સરળતાથી રોપ-વે વડે જોડી શકાય છે. એમએમઆરડીએ દ્વારા આ રોપ-વેને મેટ્રો લાઇન-બેના મહાવીરનગર મેટ્રો સ્ટેશન સાથે જોડવાની યોજના છે, જેથી આ મેટ્રો સ્ટેશનથી પેગોડા અને પેગોડાથી ગોરાઈ સુધી આઠ સ્ટેશનના 7.8 કિલોમીટર રોપ-વેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મુંબઈમાં રોપ-વે શરૂ થતાં પર્યટનને પણ પ્રોત્સાહન મળશે અને એસ્સેલ વર્લ્ડ, બૌદ્ધ કેન્દ્ર જેવા પર્યટન સ્થળોની મુસાફરીના સમયમાં પણ ઘટાડો આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈ સાથે આખા દેશના મુખ્ય શહેરોમાં રોપ-વે બનાવવાની યોજના છે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ નેશનલ રોપ-વે ડેવલપમેન્ટ હેઠળ ભારતમાં 1200 કી.મી. લાંબા 200 રોપ-વે પ્રોજેકટને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
દેશમાં રોપ-વેનો પ્રોજેકટ શરૂ કરવા માટે લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. આ રોપ-વે પહાડી વિસ્તારોની સાથે શહેરમાં પણ શરૂ કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી થાય. શહેરમાં રોપ-વે શરૂ કર્યા બાદ પર્યટનમાં વૃદ્ધિ થતાં રોજગારમાં પણ વધારો થશે અને દોઢ કલાકની મુસાફરી માત્ર 30થી 40 મિનિટમાં પૂર્ણ થશે.
ઇન્ડિયન પોર્ટ રેલવે એન્ડ રોપ-વે કોર્પોરેશન લિમિટેડ (આઇપીઆરસીએલ) દ્વારા મુંબઈમાં રોપ-વે કોરિડોર બનાવવા માટે રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં દુનિયામાં ન્યૂ યોર્ક અને કોલમ્બિયા જેવા શહેરોની જેમ જ મુંબઈમાં પણ રોપ-વેનો પ્રોજેકટ સફળ થઈ શકે છે. 2020માં એમએમઆરડીએ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું પણ આ કામને કરવા માટે કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો, જેથી ટેન્ડરને રદ કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં રોપ-વે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખાનગી કંપની સાથે મળીને આ પ્રોજેકટને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી એમએમઆરડીએ દ્વારા મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં 35 કિલોમીટની મેટ્રો લાઇન-બી-એ અને સાતને રોપ-વે સાથે જોડવાની યોજના પર કામ શરૂ કરવામાં આવ્યું છે.