હાફુસ કેરી પ્રેમીઓ માટે ખુશખબર, હવે ઓર્ગેનિક અને ઓથેન્ટિક કેરીની મળશે હોમ ડિલિવરી
મુંબઈ: ઉનાળાની ઋતું શરૂ થવાની સાથે દેશના બજારોમાં કેરીનો ભરમાર આવ્યો છે. ભારતની કેરીમાં સૌથી વધુ માગણી અને લોકપ્રિય હોય તે મહારાષ્ટ્રની કોંકણ હાફુસ કેરી. મહારાષ્ટ્રના કોંકણ હાફુસની માગણી માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ વધી રહી છે, પણ બજારમાં મળતી હાફુસ કેરી અસલી છે કે નહીં તે બાબતે અનેક પ્રશ્નો આપણાં મનમાં હોય છે. જોકે હવે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા આખી દુનિયામાં પ્રસિદ્ધ કોંકણ હાફુસ કેરી ગ્રાહકો સુધી પહોંચાડવાની સેવા શરૂ કરવામાં આવી છે.
ભારતીય પોસ્ટ વિભાગે ઓર્ગેનિક હાપુસ કેરીના ફાર્મથી સીધી ગ્રાહકો સુધી પહોંચાડવાની નવી સેવા શરૂ કરી છે. બજારોમાં હાપુસ કેરીના નામે ગ્રાહકો સાથે અનેક વેપારીઓ છેતરપિંડી કરે છે, અને ખેડૂતો પાસેથી માલ લઈને તેની કળાબજારી કરી ભાવ વધારે છે. આ ગેરપ્રકારને રોકવા માટે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેરીને સીધી ખેડૂત અને ઉત્પાદકો પાસેથી ખરીદીને ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવામાં આવવાની છે.
કોંકણ હાફુસ કેરીની હોમ ડિલિવરીની સેવાના હાલમાં માત્ર સાંગલી જિલ્લાના ચાર પોસ્ટ ઓફિસમાં જ શરૂ કરવામાં આવી છે અને તે પણ ઓફલાઇન રીતે જ નોંધણી કરવામાં આવી રહી છે, પણ ટૂંક સમયમાં ઓનલાઇન અને રાજ્યના બીજા શહેરોમાં પણ આ સેવા શરૂ કરવામાં આવશે, એવું અધિકારીએ કહ્યું હતું.
આપણ વાંચો: હાફુસ કેરીના મબલખ ઉત્પાદનની અસર, ભાવ 40 ટકા જેટલો ઘટ્યો
રત્નાગિરી પોસ્ટ ઓફિસ મારફત પુણે, મુંબઈ જેવા શહેરોમાં હાફુસ કેરી પહોંચાડવામાં માટે થોડા સમયથી કેરીની હોમ ડિલિવરી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જોકે આ સેવા હજી સુધી ઓનલાઇન કરવામાં આવી નથી.
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કોંકણમાં નૈસર્ગિક રીતે કેરી ઉત્પાદન કરતાં ખેડૂતો અને ફાર્મ સાથે કરાર કરીને તેમની પાસેથી જ કેરી ખરીદી તેને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવવાની છે. એક અહેવાલ મુજબ ભારતીય પોસ્ટમાં કેરી માટે નોંધણી કરનાર ગ્રાકકોને ગુઢી પાડવા નિમિત્તે તેની ડિલિવરી આપવામાં આવશે.
કેરીની પેટીની હોમ ડિલિવરી માટે ગ્રાહકોએ વધુ ફી ચૂકવવાની રહેશે. એક વખત નોંધણી કર્યા બાદ ગ્રાહકોને કેરી કઈ તારીખે મળશે એ બાબતે જાણ કરવામાં આવશે, એવી માહિતી ભારતીય પોસ્ટ વિભાગે જાહેર કરી હતી.