ગોંદિયા અકસ્માત બસ પૂરજોશમાં દોડી રહી હતી અને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો…

ગોંદિયા: ગોંદિયા જિલ્લામાં શુક્રવારે એસટી બસના થયેલા અકસ્માતમાં ૧૧ જણનાં મોત તથા અનેક લોકો ઘાયલ થયા હતા ત્યારે આ બસ પૂરજોશમાં દોડી રહી હતી અને અન્ય વાહનને ઓવરટેક કરવા જતા વિરુદ્ધ દિશા તરફથી આવી રહેલી ટુ-વ્હીલરને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું, દસ વર્ષમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
આ અકસ્માતની તપાસનો પ્રાથમિક રિપોર્ટ એસટી મંડળના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.
શિવશાહી નામ હેઠળની એસટી બસમાં ૪૦ પ્રવાસી હતા અને ભંડારાથી ગોંદિયા તરફ જઇ રહી હતી ત્યારે સડક અર્જુની તાલુકાના ખાજરી ગામ ખાતે આ અકસ્માત થયો હતો.
ગોંદિયા ડેપો મેનેજર યતિશ કાત્રેના નેતૃત્વ હેઠળની એમએસઆરટીસીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ અહેવાલ ભંડારાના ડિવિઝનલ ઓફિસને સોંપવામાં આવ્યો હતો.
બસ પૂરજોશમાં દોડી રહી હતી અને ફોર-વ્હીલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા સામેથી ટુ-વ્હીલર આવી હતી. તેથી ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ પલટી ખાઇ ગઇ હતી, એમ કાત્રેએ જણાવ્યું હતું.
બસ ખરાબ હાલતમાં હોવાના આક્ષેપોને અધિકારીઓએ નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ડેપોમાં રોજ દરેક બસની તપાસ કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની રાજનીતિના મેન્ટર બનશે શિંદે! કન્વીનર પદ પર છે નજર!
એમએસઆરટીસીના ભંડારા ડેપો મેનેજર સારિકા લિમ્જેએ કહ્યું હતું કે સંબંધિત બસના ડ્રાઇવર રાઇપુરકરે ૨૦૧૧થી ફરજ પર છે અને અત્યાર સુધી તેમના દ્વારા કોઇ ગંભીર અકસ્માત થયો હોવાનું નોંધાયું નથી. (પીટીઆઇ)