અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે સોના-ચાંદીમાં નરમાઈ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે મોડી સાંજે થનારી અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ એક તક્ક્કે ઘટીને ગત 26 નવેમ્બર પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. આમ વૈશ્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના વેરારહિત ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 300થી 301નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 213નો ઘટાડો આવ્યો હતો.
આ પણ વાંચો : આજે શેરબજારની મંગલમય શરૂઆત, આ શેરો ગ્રીન સિગ્નલમાં ખુલ્યા
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતા વેરા frls ભાવ કિલોદીઠ રૂ. 213 ઘટીને રૂ. 90,997ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિત ભાવ 10 ગ્રામદીઠ રૂ. 300 ઘટીને રૂ. 75,847 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 301 ઘટીને રૂ. 76,152ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઘટ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હતી. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ માગ પણ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે ખાસ કરીને ફેડરલ રિઝર્વનાં રેટ કટને અસર કરે તેવાં અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે સોના-ચાંદીની ખરીદીમાં રોકાણકારોનો સાવચેતીનો અભિગમ રહ્યો હતો. તેમ છતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી 0.2 ટકા વધીને આૈંસદીઠ 2638.45 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને 2660.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ વર્તમાન સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 0.5 ટકાનો ઘટાડો નોંધાઈ ગયો છે. વધુમાં આજે લંડન ખાતે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 31.35 ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા. જોકે, વર્તમાન સપ્તાહમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે બે ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.
આજે મોડી સાંજે અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત થનારી છે અને પૅ રૉલ ડેટામાં બે લાખનો ઉમેરો થવાની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. રોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે સોનાના વૈશ્વિક ભાવ પોઝિશન લઈ રહ્યા હોવાનું એબીસી રિફાઈનરીના ઈન્સ્ટિટ્યૂશનલ માર્કેટના ગ્લોબલ હેડ નિકોલસ ફ્રેપલે જણાવ્યું હતું. જોકે, વર્તમાન ડિસેમ્બર મહિનામાં વૈશ્વિક સોનાના ભાવ માટે આૈંસદીઠ 2550 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 2700 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જીગર ત્રિવેદીએ વ્યક્ત કરતાં ઉમેર્યુ હતું કે આ વર્ષમાં સોનામાં તેજીનું વલણ રહ્યું હોવાથી એકાદ-બે સપ્તાહ સુધી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં વૈશ્વિક સોનાના ભાવમાં 27 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.
આ પણ વાંચો : સોનાના બદલે હવે શેર બજાર તરફ આકર્ષાઈ ગુજરાતી મહિલાઓ, આંકડો 25 લાખને પાર
વધુમાં આજે સીએમઈ જૂથનાં ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી 17-18 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 70 ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હતા.