આમચી મુંબઈવેપાર

વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. ૧૩૩૫ તૂટ્યા, સોનામાં રૂ. ૪૬૬ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ આગામી કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અમેરિકી ફેડરલ રિઝર્વ બજારની અપેક્ષા કરતાં વ્યાજદરમાં ઓછો ઘટાડો કરે તેવા અણસારો આપ્યા હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એકસચેન્જ ખાતે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના નિર્દેશો હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. તેમ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા બન્ને કિંમતી ધાતુઓમાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩૩૫ અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬૫થી ૪૬૬ ઘટી આવ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટયા મથાળેથી ૧૦ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. આમ રૂપિયામાં સુધારો આવતા સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે પણ ભાવઘટાડાને ટેકો મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે ઘટતી બજારના માહોલમાં ઔદ્યોગિક વપરાશકારો તથા જવેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩૩૫ના ઘટાડા સાથે રૂ. ૮૬,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને રૂ. ૮૫,૭૦૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને રૂપિયામાં સુધારો આવતા સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જવેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬૫ ઘટીને રૂ. ૭૫, ૨૪૪ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૬૬ ઘટીને રૂ. ૭૫,૫૪૭ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો : ફેડરલ રિઝર્વનાં વર્ષ 2025માં માત્ર બે વખત વ્યાજદર કપાતના સંકેતે વૈશ્વિક સોનામાં એક મહિનાના તળિયેથી બાઉન્સબૅક

જોકે, આજે રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની મોસમની માગ જળવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના-ચાંદીના ભાવમાં નરમાઈતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને અનુક્રમે ઔસદીઠ ૨૬૦૪.૧૦ ડૉલર અને ૨૬૧૭.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં હાજરમાં સોનાના ભાવમાં ૧.૬ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔસદીઠ ૨૯.૦૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

જોકે, હવે રોકાણકારોની નજર આગામી વર્ષે નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ કારભાર સંભાળે અને વેપાર તથા વેરાની કેવી નીતિ અપનાવે તેના પર સ્થિર થઈ છે. કેમ કે તેની નીતિને આધારે આગામી ૨૮-૨૯ જાન્યુઆરીની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ અણસાર આપશે, એમ એએનઝેડના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવ્યું હતું. જોકે, આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર પણ રોકાણકારોની નજર હોવાથી એકંદરે કામકાજો પાંખાં જોવા મળ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે ગત ૧૭-૧૮ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો કાપ મૂક્યો હતો, પરંતુ આગામી વર્ષમાં વ્યાજદરમાં કપાત માટે સાવચેતીનો અભિગમ અપનાવવામાં આવે તેવા સંકેતો આપતાં ગત બુધવારે સોનાના વૈશ્વિક ભાવ ઘટીને ગત ૧૮ નવેમ્બર પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, વર્ષ ૨૦૨૪નાં ત્રીજા ત્રિમાસિકગાળામાં અમેરિકી અર્થતંત્રમાં અપેક્ષા કરતાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હોવાનાં તેમ જ બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજી કરનારાઓની સંખ્યામાં પણ અપેક્ષા કરતાં વધુ ઘટાડો થયો હોવાથી ફંડરલ રિઝર્વ આગામી નાણાનીતિમાં સાવચેતીનું વલણ અપનાવે તેવી શક્યતા વધુ પ્રબળ બની છે. આમ હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા રૉઈટર્સના ટેક્નિકલ એનાલિસ્ટ વૉન્ગ તાઉએ વૈશ્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૮૨ની ટેકાની સપાટીને સ્પર્શે તેવી શક્યતા વ્યકત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button