ડૉનાલ્ડ ટ્રમ્પની હત્યાના બીજા પ્રયાસ સાથે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ વિક્રમ સપાટીએ
સ્થાનિક સોનામાં રૂ. ૬૫૦નો અને ચાંદીમાં રૂ. ૨૫૦૫નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી બેઠકના અંતે વ્યાજદરમાં કપાતનો પ્રબળ આશાવાદ ઉપરાંત અમેરિકન રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ માટેના ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પની ફ્લોરિડા ખાતે રાજદ્વારી હત્યાના બીજી વખત થયેલા પ્રયાસને ધ્યાનમાં લેતા આંજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની પ્રબળ માગને ટેકે ભાવ વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ તેજી આગળ ધપી હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૪૭થી ૬૫૦ની તેજી આવી હતી જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૫૦૫નો ઝડપી ઉછાળો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૫૦૫ના ઉછાળા સાથે રૂ. ૮૮,૬૦૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યો હતો અને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૪૭ વધીને રૂ. ૭૩,૩૯૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫૦ વધીને રૂ. ૭૩,૬૯૪ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હતી.
આ પણ વાંચો : Gold Silver Price : ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો વધારો, સોનાના ભાવમાં પણ તેજી
દરમિયાન આજે એશિયન બજારોમાં સત્રના આરંભે સોનામાં ખાસ કરીને અમેરિકી ભૂતપૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીનાં નેતા ડૉનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો હોવાના અહેવાલે સોનામાં સલામતી માટેની માગનો વધારો થવાની સાથે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતના આશાવાદ સાથે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા શુક્રવારના બંધ સામે ૦.૧૯ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૫૮૧.૩૯ ડૉલરની વિક્રમ સપાટી આસપાસ અને ડિસેમ્બર વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૧૩ ટકા વધીને ઔંસદીઠ ૨૬૧૪.૧૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૫૪ ટકા વધીને ઔંસદીઠ ૩૦.૮૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, રેટ કટનો આશાવાદ અને ટ્રમ્પની હત્યાના પ્રયાસને કારણે સલામતી માટેની માગનો ટેકો મળતાં સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું વિશ્ર્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની બેઠકના અંતે વ્યાજદરમાં કાપ તો મૂકશે, પરંતુ ૨૫ બેસિસ પૉઈન્ટ કે ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તે અંગે બજારમાં અવઢવ પ્રવર્તી રહી છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ૨૫ અને ૫૦ બેસિસ પૉઈન્ટના કાપ માટે ટ્રેડરો ૫૦-૫૦ ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.