અમૂલ પછી ગોકુલે ગાહકોને કર્યાં નારાજ, જાણો કેમ?

મુંબઈ: દિવસે દિવસે વધતી મોંઘવારી વચ્ચે ગયા અઠવાડિયા દરમિયાન અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો હતો. અમૂલને પગલે પગલે હવે મહારાષ્ટ્રમાં ગોકુલે દૂધના ભાવમાં વધારો કરવાને કારણે આમ જનતાના ખિસ્સા પર ભારણ વધ્યું છે. મોંઘવારીમાં વધારા વચ્ચે આમ જનતાને રાહત મળવાનો કોઈ અણસાર જોવા મળતો નથી.
વૈશ્વિક સ્તરે ટેરિફના ચક્કરને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટ પર ઘણી અસર થઈ છે, તેમાંય વળી મોંઘવારીમાં વધારો થયો છે. આની સીધી અસર દૂધના ભાવ પર પડી છે. ત્રણ દિવસ પહેલા અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રુપિયા વધાર્યો હતો. હવે ગોકુલે પણ દૂધના ભાવમાં આજથી વધારો કરવાની જાહેરાત કરી હતી.
આપણ વાંચો: આમ આદમીને ફટકોઃ દૂધના ભાવમાં આવતીકાલથી વધારો, જાણો કેટલી થઈ વૃદ્ધિ
આ અંગે કોલ્હાપુર ઉત્પાદક સંઘે દૂધની કિંમતમાં બે રુપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું છે કે કોલ્હાપુરથી મુંબઈ અને તેના ઉપનગરો જેમ કે થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં ગોકુલ બ્રાન્ડના બધા જ પોલિથિન પેકેજિંગમાં ફૂલ ક્રીમ દૂધ તથા ગાયના દૂધની કિંમત વધવાની છે.
સંઘના કહેવા પ્રમાણે નવા ભાવ પાંચમી મેથી લાગુ પડ્યા છે, જેમાં તાજા અને ગોકુલ શક્તિ દૂધની કિંમતમાં કોઈ બદલાવ થશે નહીં.
આપણ વાંચો: અમૂલે ડેરી દૂધના ભાવમાં ઘટાડો કર્યો; જાણો એક લીટરના નવા ભાવ
મુંબઈ અને પુણેમાં લિટરદીઠ ભેંસના દૂધની કિંમત 72 રુપિયાથી વધીને 74 રુપિયા થશે, જયારે કોલ્હાપુરમાં દૂધનો ભાવ 66 રુપિયામાંથી વધીને 68 રુપિયા થશે. એ જ રીતે ગાયના દૂધનો ભાવ મુંબઈ, પુણેમાં 48 રુપિયાથી વધીને 50 રુપિયા થશે. અહીં એ જણાવવાનું કે ગોકુલ દૂધની મુંબઈ, પુણે સૌથી વધુ ડિમાન્ડ છે.
અમુલે દૂધના ભાવ વધાર્યા પછી ગોકુલ દૂધના ભાવમાં પણ વધારો જોવામાં આવ્યો છે. ગોકુલ દૂધને કોલ્હાપુરની સાથે સાથે મુંબઈ, થાણે, રાયગઢને પાલઘર જિલ્લામાં પણ સારી એવી ડિમાન્ડ હોય છે, તેથી એકંદરે ગ્રાહકો પર પણ અસર થઈ શકે છે. અહીં એ જણાવવાનું કે દૂધની કિંમત દર છ મહિને વધી રહી છે, જેનાથી સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર જરૂરથી બોજો વધશે.