આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાના છો? આ વાંચીને જ બહાર નીકળજો…
મુંબઈઃ દર રવિવારની જેમ આ રવિવારે પણ મુંબઈની લાઈફલાઈનના લોચા રહેવાના જ છે, એટલે જો તમે પણ આવતીકાલે બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો તમારે પહેલાં આ વાત જાણી લેવી ખૂબ જ મહત્ત્વની છે. ટ્રેક મેઈન્ટેનન્સ, સિગ્નલ સિસ્ટમના કામકાજ માટે મધ્ય રેલવે પર અને હાર્બર લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે ટ્રેનોના ધાંધિયા રહેશે, એટલે ટ્રેનોની પરિસ્થિતિ જાણીને જ બહાર નીકળવાની અપીલ રેલવે દ્વારા કરવામાં આવી છે.
મધ્ય રેલવે પર સવારે 10.40 કલાકથી બપોરે 3.40 કલાક સુધી થાણે કલ્યાણ વચ્ચે અપ-ડાઉન ફાસ્ટ લાઈન મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આ લોકલ ટ્રેન કલવા, મુંબ્રા અને દિવા સ્ટેશન પર ઊભી રહેશે.
હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર સવારે 11.10 કલાકથી 4.10 કલાક સુધી મેગાબ્લોક હાથ ધરવામાં આવશે. સીએસએમટીથી વાશી-બેલાપુર-પનવેલ માટે રવાના થનારી અને પનવેલ-બેલાપુર-વાશીથી રવાના થનારી સીએસએમટી વચ્ચે ટ્રેનવ્યવહાર બંધ રહેશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-કુર્લા વચ્ચે અને પનવેલ-વાશી વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન થાણે-વાશી-નેરુલ સ્ટેશન દરમિયાન પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.