Marrinedrive, Chowpatty, Bandstand ખાતે ચોમાસામાં મોન્સૂન મસ્તી કરવા જવાના છો? પહેલાં આ વાંચી લો…

મુંબઈ: મુંબઈગરા જરા વધારે પડતી જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળો જરા વધારે જ આકરો છે એટલે લોકો કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. મુંબઈ સહિત રાજ્યભરમાં અને દેશભરમાં હાલમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે હવામાન ખાતા દ્વારા ગૂડ ન્યુઝ આપવામાં આવી છે કે આ વખતે સરાસરી કરતાં વધારે વરસાદ પડે એમ છે. જો તમે પણ ચોમાસામાં મરીન ડ્રાઈવ કે ચોપાટી પર સમુદ્રના મોજાની મજા માણવાનો પ્લાન બનાવતા હોવ તો જરા સાચવીને.. આ વખતે ચોમાસામાં 22 દિવસ હાઈટાઈડ રહેશે અને આ દિવસે 5 મીટરથી ઊંચા મોજા ઉછળશે, જેને કારણે પાલિકાએ કમર કસી લીધી છે.
મુંબઈની અનેક ચોપાટી પર પાલિકા દ્વારા ચોમાસામાં પેટ્રોલિંગ વધારવામાં આવશે. આ વખતે મુંબઈના દરિયામાં 22 દિવસ હાઈટાઈડ રહેશે અને એ સમયે 4.5થી 5 મીટર ઊંચા મોજા ઉછળશે, જેને કારણે પાલિકા દ્વારા કેટલીક ખાસ ઉપાયયોજનાઓ કરી છે. સામાન્યપણે ચોમાસામાં મરીનડ્રાઈવ, વરલી સી-ફેસ, જુહૂ વર્સોવા, બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ ખાતે મોજ-મસ્તી કરતા માટે લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ ઘણી વખત આ મજા સજામાં પરિવર્તિત થઈ જતી હોય છે. પાલિકાએ હાઈટાઈડના દિવસોમાં તકેદારી રાખવાની સૂચના સંબંધિત યંત્રણાોને આપી દીધી છે.
પાલિકા દ્વારા ચોમાસામાં જે દિવસોમાં 4.5 મીટર કરતાં ઊંચા મોજા ઉછળે એ દિવસે હાઈટાઈડ માટેનું એલર્ટ આપવામાં આવે છે. આ સિવાય અતિવૃષ્ટિના સમયે સમુદ્રમાં ભરતી આવતા નજીકમાં આવેલા ઘરો, ઝૂંપડપટ્ટી કે બિલ્ડિંગમાં પાણી ઘૂસી જવાની શક્યતા હોય છે અને જોખમી પરિસ્થિતિ ઊભી થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ચોપાટીની સુરક્ષા માટે પાલિકા દ્વારા 94 લાઈફ ગાર્ડ્સ તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લાઈફગાર્ડ્સને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા માટે તમામ સંશાધનો ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા છે.
જૂનમાં સાત દિવસ, જુલાઈમાં ચાર દિવસ, ઓગસ્ટમાં પાંચ દિવસ અને સપ્ટેબરમાં સાત દિવસ દરિયામાં 4.5 મીટર કરતાં વધુ ઊંચા મોજા ઉછળશે. એમાં પણ 20મી સપ્ટેમ્બરના 1.03 કલાક 4.82 મીટર મોજા ઉછળશે, એવો અંદાજો આપવામાં આવ્યો છે. ત્યાર બાદ 21મી ઓગસ્ટના બપોરે 12.57 કલાકે 4.8 મીટર, છઠ્ઠી જૂનના 4.69 મીટર, 24મી જુલાઈના 4.72 મીટર ઊંચા મોજા ઉછળશે એવી માહિતી પાલિકા દ્વારા આપવામાં આવી છે.
ટૂંકમાં જો તમે પણ ચોમાસામાં મરીન ડ્રાઈવ, ચોપાટી કે બેન્ડ સ્ટેન્ડ પર મજા કરવા જવાનું વિચારી રહ્યા હોવ તો જરા સંભાળીને જજો ક્યાંક તમારી આ મજા સજામાં ના પરિણમે એનું ખાસ ધ્યાન રાખજો.