ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ: મુલુંડના ફ્લાયઓવરનું કામ ઝડપથીપૂરૂું થતાં નાગરિકોને ટ્રાફિકથી મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અંતર્ગત ગોરેગામની સાથે જ મુલુંડમાં મોટા પાયા પર કામ ચાલી રહ્યું છે. જોકે આ પ્રોજેક્ટને કારણે મુલુંડમાં અનેક જગ્યાએ ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો હોવાને કારણે ભારે ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે.
તેથી મુુલુંડમાં બાંધવામાં આવી રહેલા મુખ્ય બ્રિજની બંને બાજુએ તાનસા પાઈપલાઈન પર જે બે નાના ફ્લાયઓવર ઊભા કરવામાં આવી રહ્યા છે, તેમાંથી ટ્રાફિકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર દિશા તરફનો તાનસા પાઈપલાઈન પરના નાના બ્રિજનું કામ ઝડપથી પૂરું કરીને તેને ૩૧મે, ૨૦૨૬ સુધીમાં ખુલ્લો મૂકવાનું આયોજન હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.
મુલુંડ (પશ્ર્ચિમ)માં ખિંડીપાડા પરિસરમાં ગુરુ ગોવિંદ સિંહ રોડ પર એલિવેટેડ રોડ સહિત ડૉ.હેગડેવાર ચોક પાસે કેબલ સ્ટેડ સ્ટ્રકચર સહિત ફ્લાયઓવર ઊભો કરવામાં આવી રહ્યો છે. તાનસા પાઈપલાઈનથી નાહુર રેલવે પુલ દરમ્યાન લગભગ ૧.૮૯ કિલોમીટર લંબાઈનો આ પુલ બાંધવામાં આવી રહ્યો હોઈ સંપૂર્ણ પ્રોજેક્ટની લંબાઈની દૃષ્ટિએ આ તબક્કો વધુ પડકારજનક બની રહ્યો છે.

મુખ્ય બ્રિજ માટે કુલ ૪૮ થાંભલા પ્રસ્તાવિત હોઈ તેમાંથી ૩૯ થાંભલા ઊભા થઈ ગયા છે. તો મુખ્ય બ્રિજના કુલ ૪૭ સેકશનમાંથી ૧૦ સેકશનના કામ પૂરા થઈ ગયા છે. એ સાથે જ મુખ્ય બ્રિજની બંને બાજુએ તાનસા પાઈપલાઈન બે નાના ફ્લાયઓવર ઊભા કરવામાં આવી રહ્યા છે.
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ પાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ અંતર્ગત મુલુંડમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને ગોરેગામમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને સીધો જોડવામાં આવવાનો છે. લગભગ ૧૨.૨૦ કિલોમીટર લંબાઈના ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ ચાર તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યો છે. ત્રીજા તબક્કામાં મુલુંડ પશ્ર્ચિમમાં ખિંડીપાડામાં ગુરુ ગોવિંદ સિંહ રોડ પર એલિવેટડ રોડ અને ડૉ.હેગડેવાર ચોકમાં કેબલ સ્ટેડ સહિત ફ્લાયઓવર સ્ટ્રકચરના કામનો સમાવેશ થાય છે.

બુધવારે મુલુંડ પશ્ર્ચિમમાં સોનાપુર જંકશન પર સાઈટ વિઝિટ કરનારા એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનો બીજો ભાગ એટલે મુલુંડમાં બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. તાનસા પાઈપલાઈનથી નાહુર રેલવે સ્ટેશન સુધીનો ૧.૮૯ કિલોમીટર લંબાઈનો આ ફ્લાયઓવર બાંધવામાં આવી રહ્યો છે. પૂરા પ્રોજેક્ટની લંબાઈની દૃષ્ટિએ આ ફ્લાયઓવરનું કામ પડકારજનક છે.
ડૉ.હેગડેવાર ચોક ખાતે ૧૨૦ મીટર લંબાઈનો આ પુલ કેબલ સ્ટેડ સ્વરૂપનો હોઈ મુલુંડ મેટ્રો-ચારની લાઈનની નીચેથી જવાનો છે. મુખ્ય ફ્લાયઓવર પ્રોજ્ક્ટના કુલ ત્રણ ભાગ છે. મુખ્ય ફ્લાયઓવર તેમ જ પુલની બંને બાજુએ તાનસા પાઈપલાઈન પર ઊભા કરવામાં આવવાના બે નાના પુલનો સમાવેશ થાય છે.
તેમાંથી ઉત્તર દિશામાં તાનસા પાઈપલાઈન પર નાના ફ્લાયઓવરનું કામ ચોમાસા પહેલા એટલે કે ૩૧ મે, ૨૦૨૬માં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. અહીં હાલ મુખ્ય ફ્લાયઓવરના કામ માટે ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો છે અને સાંકડો અંડરગ્રાઉન્ડ રોડ ટ્રાફિક માટે શરૂ છે પણ તેને કારણે અહીં ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો નાગરિક કરી રહ્યા છે. તેથી મુખ્ય ફ્લાયઓવરની ઉત્તર તરફનો આ નાના પુલનું કામ ઝડપી રીતે પૂરું કરવામાં આવવાનું છે.



