જીએમએલઆરનો ૧.૬ કિલોમીટરનો છ લેનનો ફ્લાયઓવર૧૬ મે, ૨૦૨૬ના ખુલ્લો મુકાશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

જીએમએલઆરનો ૧.૬ કિલોમીટરનો છ લેનનો ફ્લાયઓવર૧૬ મે, ૨૦૨૬ના ખુલ્લો મુકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ગોરેગામ-મુલુંડ લિંક રોડ (જીએમએલઆર) પ્રોજેક્ટના ભાગરૂપે દિંડોશી કોર્ટ અને દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી વચ્ચે છ લેનના ફ્લાયઓવરનું બાંધકામ એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગયું છે. કુલ ૩૧ થાંભલામાંથી ૨૭ થાંભલાનું કામ પૂર્ણ થઈ ગયું છે. તો રત્નાગિરી જંકશન પર ચાર થાંભલા ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે. પાલિકા ટૂંક સમયમાં ગર્ડર લોન્િંચગ, ડેક સ્લેબ કાસ્ટિંગ અને એપ્રોચ રોડનું બાંધકામ શરૂ કરવાની છે. આગામી વર્ષે ૧૬ મે સુધીમાં ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવે એવી અપેક્ષા છે.

જીએમએલઆર પ્રોજેક્ટ ચાર તબક્કામાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેમાં ફેઝ-૩ (એ)માં ફ્લાયઓવર અને એલિવેટેડ રોટરી બાંધકામનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દિંડોશી-ગોરેગામ-દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી દરમ્યાન છ લેનના ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, તેની લંબાઈ ૧,૨૬૫ મીટર છે. ફ્લાયઓવર માટે બોક્સ ગર્ડર અને કૉંક્રીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ જ રસ્તો ક્રોસ કરવા માટે ફૂટઓવર બ્રિજ, એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવવાની છે.

આ પણ વાંચો: સુપ્રીમનો મોટો નિર્ણય: આરેમાં GMLR ટનલ માટે 95 વૃક્ષ હટાવવાની મંજૂરી

આ ફ્લાયઓવરનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું હોઈ તેમાં ગોરેગામ બાજુ અને મુલુંડ બાજુ એમ બે ભાગ છે. દિંડોશી કોર્ટથી ફ્લાયઓવર ચાલુ થાય છે. રત્નાગિરી જંકશન હોટલથી ૯૦ ડિગ્રીએ ફ્લાયઓવર વળાંક લે છે અને દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીમાં તે ઊતરે છે. પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે શુક્રવારે પાલિકા મુખ્યાલય ખાતે ફ્લાયઓવરના કામની પ્રગતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાયઓવરમાં કુલ ૩૧ થાંભલા છે, જે ક્ધસ્ટ્રકશન સેગેન્ટ સ્પાન બનાવેે છે. કુલ ૨૬માંથી ૧૨ સ્પાનનું કામ પૂરું થઈ ગયું છે. બાકીના ૧૪ સ્પાનનું કામ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં કરવાનું આયોજન છે. અત્યાર સુધી ૨૭ થાંભલા ઊભા કરવાનું કામ પૂરું થયું છે. તો રત્નાગિરી જંકશનના વળાંક પાસે બાકીના ચાર થાંભલાનું કામ પ્રગતિએ છે.

આ પણ વાંચો: આનંદો: ગોરેગાંવ મુલુંડ લિંક રોડ આડેનો મોટો અવરોધ દૂર થયો

પાલિકાના ટાઈમટેબલ મુજબ થાંભલાઓનું બાંધકામ, ગર્ડર ઈન્સ્ટોલેશન અને ડેક સ્લેબ કાસ્ટિંગ ૧૫ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાનું છે. ફ્લાયઓવરની બંને બાજુએ એપ્રોચ રોડ હશે. દિંડોશી કોર્ટ બાજુના એપ્રોચ રોડનું બાંધકામ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જયારે દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી ખાતેનો એપ્રોચ રોડ ૩૦ એપિલ, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાનું છે. બાકીના સંબંધિત કામો આગામી ૧૫ દિવસમાં હાથ ધરવામાં આવશે. જોકે અધિકારીએ ઉમેર્યું હતું કે બીજા તબક્કા દરમ્યાન ફ્લાયઓવરના મુલુંડ બાજુના કેટલાક બાંધકામ કાર્ય હાલમાં અવરોધોનો સામનો કરી રહ્યાં છે. અસરગ્રસ્ત માળખાઓનં પુનર્વસન કરવામાં આવશે અને ફ્લાયઓવરનું બાકીનું કામ હાથ ધરવા માટે ખાલી પ્લોટ સંપાદિત કરવામાં આવશે.

ગોરેગામ-મુલુંડ લિંક રોડ ૧૨.૨ કિલોમીટરનો છે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ગોરેગામ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડને જોડશે, જેનાથી મુસાફરીનો સમય ૭૫ મિનિટથી ઘટાડીને ૨૫ મિનિટ થશે. ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના કુલ પ્રોજેક્ટનો ખર્ચ છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button