રૂ. 2 કરોડ આપો નહીંતો Salman Khanને…. ‘ ભાઇજાનને ફરી મળી ધમકી
એમ લાગી રહ્યું છે કે બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનના ગ્રહો વાંકા ચાલી રહ્યા છે. એમને સતત જાનથી મારવાની ધમકીઓ મળી રહી છે. હવે સલમાન ખાનને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા 2 કરોડ રૂપિયાની માંગણી કરીને જાનથી મારી નાખવાની નવી ધમકી આપવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસને મોકલવામાં આવેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો અભિનેતાને મારી નાખવામાં આવશે.
આ મામલો ગંભીર છે. આ ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ મુંબઈના વર્લી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
આ પહેલા મંગળવારે પણ સલમાન ખાન અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના વિધાન સભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ઝીશાન અને સલમાન ખાન બંનેને ધમકી આપવામાં આવી હતી અને પૈસાની માંગ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે નોઈડાથી મોહમ્મદ તૈયબ ઉર્ફે ગુરફાન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી દિલ્હીનો રહેવાસી છે. તેની સેક્ટર 39 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મુંબઈ પોલીસે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધો હતો.
સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી પણ સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
કોઇને કદાચ એવો વિચાર આવે કે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇ સાથે તે વળી શું દુશ્મની હોઇ શકે તો જાણ ખાતર કે સલમાન અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચે વિવાદ 1998માં શરૂ થયો હતો.
તે સમયે અભિનેતા વિરુદ્ધ કાળા હરણના શિકારનો કેસ નોંધવામાં આવ્યો હતો. શિકારની આ ઘટના રાજસ્થાનમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન બની હતી. આ ઘટનાથી બિશ્નોઈ સમુદાય ઘણો નારાજ થયો હતો, કારણ કે તેઓ કાળિયાર (કાળા હરણ)નું પૂજન અને સન્માન કરે છે.
Also Read – બિશ્નોઇની ધમકી વચ્ચે સલમાન ખાને કરી દુબઈ ટુરની જાહેરાતઃ આ દિવસે પરફોર્મ કરશે
સલમાન આ કેસમાં મુખ્ય આરોપી હતો અને તેને 2018માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોકે કોર્ટે તેને નિર્દોષ પણ જાહેર કર્યો હતો. આ ઘટના બની ત્યારે લોરેન્સ બિશ્નોઈ ઉર્ફે બલકરણ બ્રાર માત્ર પાંચ વર્ષનો હતો, પણ તેણે કાળા હરણના શિકારનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. 2018માં જોધપુરમાં કોર્ટમાં હાજરી દરમિયાન બિશ્નોઇ સમાજ તરફથી લોરેન્સે અભિનેતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારપછી સલમાનને જાનથી મારી નાખવાની ઘણી ધમકીઓ મળી છે.