પનવેલમાં યુવતીના ભાઇ-પિતાએ તેના બોયફ્રેન્ડની કરી હત્યા
થાણે: પનવેલમાં યુવતીના ભાઇ અને પિતાએ તેના 18 વર્ષના બોયફ્રેન્ડની દાતરડાના ઘા ઝીંકીને હત્યા કરી હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને યુવતીના ભાઇને તાબામાં લીધો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર પનવેલના દેવિચા પાડા વિસ્તારમાં રવિવારે બપોરે આ ઘટના બની હતી. દેવિચા પાડામાં રહેનારી યુવતીએ તેના બોયફ્રેન્ડને કૉલ કરીને પોતાના ઘરે બોલાવ્યો હતો. દરમિયાન યુવતીનો ભાઇ ઘરે આવ્યો હતો અને તેણે દરવાજો ખટખટાવ્યો હતો. જોકે દરવાજો કોઇ ખોલી રહ્યું ન હોવાથી તેણે જોરથી ધક્કો મારીને દરવાજો ખોલતાં અંદર બહેન તેના બોયફ્રેન્ડ સાથે નજરે પડી હતી, એમ તળોજા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાંચો: માવતરના મહત્વને લાંછન: નવસારીમાં TRB જવાને જ તેના દસ વર્ષના પુત્રની હત્યા કરી
આ જોઇને યુવતીનો ભાઇ રોષે ભરાયો હતો અને તેણે પિતાને ઘરે બોલાવ્યો હતો. બાદમાં પિતા-પુત્રએ દાતરડાના ઘા ઝીંકીને બોયફ્રેન્ડની હત્યા કરી હતી. દરમિયાન બનાવની જાણ થતાં તળોજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
તળોજા પોલીસે આ પ્રકરણે યુવતીના ભાઇ અને પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને યુવતીના ભાઇને તાબામાં લીધો હતો. (પીટીઆઇ)