દુઃખદઃ મુંબઈમાં પહેલા પિરિયડથી પરેશાન છોકરીએ કરી આત્મહત્યા

મુંબઈઃ એક તરફ સંચાર માધ્યમોનો આટલો વ્યાપ અને બીજી બાજુ હજુ પણ ઘણા વિષયો મામલે જનજાગૃતિ અને સાચી માહિતીનો અભાવ. મોબાઈલની એક ક્લિકથી જોઈએ તેટલી માહિતી મળતી હોવા છતાં ટીન એજર્સ અને યુવાપેઢી હજુ ઘણા અજ્ઞાન અને ખોટી માન્યતાઓથી પીડાઈ છે. આ વાતની સાબિતી મુંબઈ જેવા મેટ્રો સિટીમાં બનેલી એક ઘટનાથી થાય છે.
અહીંના મલાડ પરાવિસ્તારના માલવણીમાં રહેતી એક 14 વર્ષીય છોકરીએ આત્મહત્યા(suicide) કરી લીધી છે. પ્રાથમિક તારણો અનુસાર આ આત્મહત્યા તેણે પહેલી વાર પિરિયડ્સ (periods)આવ્યા બાદની નિરાશા અને ભ્રમને કારણે કરી છે. છોકરી ઘરે એકલી હતી ત્યારે તેણે આ અંતિમ પગલુ ભર્યું હોવાનું માલૂમ પડ્યું છે. ઘટનાની જાણ થતાં પડોશીઓ ભેગા થઈ ગયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે એક દિવસ અગાઉ છોકરીને પહેલીવાર પિરિયડ્સ આવ્યા હતા. આ સમય દરમિયાન થતી તકલીફો અને માહિતીના અભાવે તે દુઃખી રહેતી હતી. જોકે બીજા દિવસે તે આવું પગલું ભરશે તેવી કોઈએ કલ્પના કરી ન હતી.
પોલીસે હાલમાં અકસ્માતે મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસ તેની મોબાઈલની વિગતો ચેક કરશે અને આ સાથે તેના મિત્રો સાથે પણ વાતચીત કરશે, જેથી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાય.
જોકે જો તેની આત્મહત્યાનું કારણ ખરેખર પિરિયડ્સ હોય તો માતા-પિતા, શિક્ષણ વ્યવસ્થા અને પ્રસાર માધ્યમોએ પણ શિખ લેવા જેવી છે કે આજના ટીન એજર્સ અને યુવાપેઢીને હજુ પાયાની સમજ આપણે આપી શક્યા નથી. માસિક ધર્મ એટલે કે પિરિયડ્સ (menstruation) મામલે શિક્ષિત મહિલાઓ પણ ઘણી ગેરમાન્યતાઓનો શિકાર બને છે.