ભાજપ નેતા ગિરીશ મહાજનનો દાવો, શિવસેના (યુબીટી)ના અનેક સાંસદો અને વિધાનસભ્યો મારા સંપર્કમાં છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજને રવિવારે એવો દાવો કર્યો હતો કે શિવસેના (યુબીટી)ના અનેક સાંસદો અને વિધાનસભ્યો તેમના સંપર્કમાં છે, કેમ કે લોકોને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ પર વિશ્ર્વાસ નથી.
રાજ્યમાં ત્રિભાષા નીતિના અમલ અંગેના વિવાદ વચ્ચે મહાજને આરોપ લગાવ્યો હતો કે ઉદ્ધવ ઠાકરે ‘પલટીબહાદ્દુર’ (યુ-ટર્ન લેનાર) છે અને તેમનું વર્તન અપરિપક્વ હોવાનું જોવા મળ્યું હતું.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે (2019માં) મુખ્ય પ્રધાન બનવાની ઘેલછામાં તેમના પિતા (શિવસેનાના સ્થાપક) બાળ ઠાકરેની વિચારધારાથી વિમુખ થઈ ગયા હતા અને તેમનું રાજકીય ભવિષ્ય બરબાદ કરી નાખ્યું હતું.
આપણ વાંચો: સંજય રાઉત આસપાસ હોય ત્યારે ઉદ્ધવને રાજકીય દુશ્મનની જરૂર નથી: ગિરીશ મહાજન
ભાજપના નેતાની આ ટિપ્પણીઓ ઉદ્ધવ ઠાકરે અને તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેના બે દાયકામાં પહેલી વાર મુંબઈમાં એક રેલીમાં મંચ શેર કર્યાના એક દિવસ પછી આવી છે.
‘આજે પણ, ઉદ્ધવ ઠાકરે જૂથના ઘણા વિધાનસભ્ય અને સાંસદો મારા સંપર્કમાં છે,’ એમ મહાજને રવિવારે સોલાપુરમાં પત્રકારોને જણાવ્યું હતું.
‘જો તમને મારા પર વિશ્ર્વાસ ન હોય, તો થોડી રાહ જુઓ તમે જાતે જોશો. ‘ખૂબ જ જલ્દી,’ એમ તેમણે ઉમેર્યું હતું.
મહાજને એવો દાવો કર્યો હતો કે ઠાકરેના નેતૃત્ત્વમાં હવે તેમના પક્ષના નેતાઓને પણ કોઈ વિશ્ર્વાસ નથી.
આપણ વાંચો: …તો છગન ભુજબળ ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન બનશે: ગિરીશ મહાજન
દેવેન્દ્ર ફડણવીસના સંકટમોચન તરીકેની ખ્યાતિ પામેલા મહાજને એમ પણ કહ્યું હતું કે, ‘હિન્દી લાગુ કરવાના નિર્ણયને ઉદ્ધવ ઠાકરેની પોતાની સરકારે મંજૂરી આપી હતી. કેબિનેટે ઠરાવ પસાર કર્યો હતો અને ફાઇલમાં તેમની સહી હતી. હવે તેઓ એ જ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે જેને તેમણે એક સમયે ટેકો આપ્યો હતો. આ સ્પષ્ટ યુ-ટર્ન છે.’
ઉદ્ધવ ઠાકરેને ‘પલટીબહાદ્દુર’ ગણાવતા, મહાજને દાવો કર્યો હતો કે તેમનું વર્તન અપરિપક્વ હતું. ‘તેમણે ફક્ત વર્તમાન સરકારનો વિરોધ કરવા માટે પોતાનું વલણ બદલ્યું છે.’ ‘આગામી જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ અને મ્યુનિસિપલ ચૂંટણીઓના પરિણામો બતાવશે કે દરેક નેતા પર જનતાનો કેટલો વિશ્ર્વાસ છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘તેમણે શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવવા માટે બાળાસાહેબના હિન્દુત્વને બાજુ પર મૂકી દીધું (2019ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પછી). મુખ્ય પ્રધાન બનવાની લાલસામાં, તેમણે પોતાનું રાજકીય ભવિષ્ય બરબાદ કરી દીધું છે,’ એવો દાવો ભાજપના નેતાએ કર્યો હતો.