આમચી મુંબઈમહારાષ્ટ્ર
નવા વર્ષમાં થાણેગરાઓને ગિફ્ટ:
થાણેમાં પ્રોપર્ટી ટૅક્સમાં ૧૦૦ ટકા વ્યાજ માફી યોજનાને મુદત વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેના કરધારકોને થાણે મહાનગરપાલિકાએ નવા વર્ષની ભેંટ આપી છે.થાણે મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સમાં ૧૦૦ ટકા વ્યાજ માફી યોજનાને ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીની મુદત વધારી આપી છે. આ વ્યાજ માફી અભય યોજનાનો લાભ થાણેના કરદાતાઓને લેવાની અપીલ થાણે પાલિકા પ્રશાસને કરી છે.
આ અગાઉ થાણે મહાનગરપાલિકાએ ૧૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીના સમયગાળા માટે અભય યોજના જાહેર કરી હતી, જેને નાગરિકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. જોકે ક્રિસમિસની રજા હોવાને કારણે આ યોજનાનો લાભ જે નાગરિકો લઈ શક્યા નથી, તેમને માટે મુદત વધારી આપવાની વિનંતી નાગરિકોએ કરી હતી, જેને સકારાત્મક પ્રતિસાદ આપીને પાલિકા કમિશનર અભિજીત બાંગરે અભય યોજનાને મુદત વધારી આપવાનો નિર્ણય લીધો હતો.