ઘોડબંદર રોડ ટ્રાફિક સમસ્યા:ભારે વાહનોને રાતના ૧૨થી સવારના છ વાગ્યા સુધી જ પ્રવેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈથી પાલઘર અને ગુજરાત જવા માટે ઘોડબંદર રોડ અત્યંત મહત્ત્વનો ગણાય છે. આ રોડ પર ચાલી રહેલી ટ્રાફિકની સમસ્યાને માટે તાત્પૂરતા સમય માટે ભારે વાહનોને મધરાતના ૧૨ વાગ્યાથી વહેલી સવારના છ વાગ્યા સુધી જ પ્રવેશ આપવા બાબતે બહુ જલદી ટ્રાફિક પોલીસ સાથે સમન્વય સાધીને તે માટેનું સર્ક્યુલર બહાર પાડવામાં આવવાનું હોવાનું રાજ્યના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ગુરુવારે જણાવ્યું હતું.
મુંબઈ-અમદાવાદ હાઈવે માટે મહત્ત્વના ગણાતા ઘોડબંદર રોડ પર પર ભારે વાહનોની સાથે જ સ્થાનિક રહેવાસીઓના વાહનોને કારણે પહેલાથી અહીં ટ્રાફિક જૅમની સમસ્યા રહી છે, તેમાં પાછું અહીં મેઈન રોડ અને સર્વિસ રોડને જોડવાનું તેમ જ મેટ્રો પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી રસ્તો હજી સાંકડો થઈ ગયો છે. તેથી પીક અવર્સમાં નહીં પણ આખો દિવસ અહીં ભારે ટ્રાફિક રહેતો હોય છે. તેમાં પણ ગાયમુખ રોડની હાલત અત્યંત દયનીય છે અને ડુંગર ઉપરના વિસ્તારમાંથી આવતા વરસાદના પાણીને કારણે રસ્તાની હાલત હજી ખરાબ થઈ છે. તેથી ગુરુવારે થાણે પાલિકાના મુખ્યલાયમાં પ્રતાપ સરનાઈકે એક બેઠક કરી હતી, જેમાં થાણેના વિસ્તારના જુદા જુદા વિકાસ કામો સહિત ઘોડબંદર રોડની ટ્રાફિકની સમસ્યા પર લાંબી ચર્ચા કરવામાં આવી હતી.
ઘોડબંદર રોડ એ ટ્રાફિક માટે મહત્ત્વનો માનવામાં આવે છે. આ રોડ પર ફાઉન્ટન હોટલથી ગાયમુખ ઘાટ સુધીના રોડને તાજેતરમાં સાર્વજનિક બાંધકામ વિભાગ પાસેથી લઈને મીરા-ભાયંદર મહાપાલિકાને હસ્તાંતર કરવામાં આવ્યો છે. આ રસ્તા પર દર વર્ષે ચોમાસામાં મોટા ખાડા પડે છે. ઘાટ પરિસરમાં ચઢાણ પર જ ખાડા પડતા હોવાથી વાહનોની સ્પીડ ઘટી જતી હોય છે. તેથી આ વર્ષે સાર્વજનિક બાંધકામ વિભાગે થાણેથી ઘોડબંદર રોડ તરફ જતા માર્કેટનું સમારકામ કર્યું હતું પણ ત્યારબાદ શરૂ થયેલા વરસાદને કારણે ઘોડબંદર રોડ પરથી થાણે તરફ આવતા રોડનું કામ કરી શકાયું નહોતું. તેથી રસ્તાની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. પીક અવર્સમાં ટ્રાફિકની અસર છેક મુંબઈ-અમદાવાદ રોડ પર ચિંચોટી સુધી વર્તાય છે. તેમ જ મીરા રોડ જતા વાહનોને પણ ફટકો પડે છે.
ઘોડબંદર રોડનો ગાયમુખ ઘાટ પરિસરનો રસ્તો મીરા-ભાયંદર પાલિકાના અખત્યાર હેઠળ આવે છે. રસ્તાનું સમારકામ પણ સતત કરવામાં આવતું હોય છે પણ વરસાદને કારણે રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. કાપૂરબાવડીથી ગાયમુખ વાહનો સ્પીડે આવે છે પણ ગાયમુખમાં ટર્ન આવે છે ત્યાં રસ્તો સાંકડો થવાથી ટ્રાફિક થાય છે અને વાહનોની લાઈન લાગી જતી હોય છે, તેમાં ભારે વાહનોને કારણે પરિસ્થિતિ હજી ગંભીર બની જતી હોવાનું પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.
ગુરુવારે થાણે પાલિકા મુખ્યાલયમાં બેઠક બાદ પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે ઘોડબંદર રોડને મેઈન રોડ સાથે જોડવાનું કામ ડિસેમ્બર ૨૦૨૫ સુધી પૂરું થવાનું છે, ત્યાં સુધી ભારે વાહનોને કારણે થતા ટ્રાફિકને રોકવા પર ભાર આપવામાં આવવાનો છે. તે માટે થાણે ટ્રાફિક પોલીસે મીરા-ભાયંદર અને પાલઘર ટ્રાફિક પોલીસ સાથે સમન્યવય સાધીને ઘોડબંદર રોડ પર ભારે વાહનોને ફકત રાત ૧૨ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી જ પ્રવેશ આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો…મલાડના ટ્રાફિકથી એક દિવસમાં પરેશાન થઈ ગઈ આ અભિનેત્રી, વીડિયો વાયરલ