આમચી મુંબઈ

ઘોડબંદર રોડ પર રૉન્ગ સાઈડથી આવતાં 11 વાહનોને ટ્રકે કચડ્યાં

ટ્રાફિક જૅમને કારણે વિરુદ્ધ દિશામાંથી પસાર થનારાં વાહનો ટ્રકની અડફેટે આવતાં ચાર જણ જખમી:

ઢોળાવવાળો રસ્તો અને 40 ટન સિમેન્ટ ભરેલી હોવાથી ડ્રાઈવર ટ્રક પર કાબૂ ન રાખી શક્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને થાણે સાથે જોડતા મહત્ત્વના માર્ગ ઘોડબંદર રોડ પર શુક્રવારની સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઢોળાવવાળા ભાગમાં લગભગ 40 ટન સિમેન્ટ ભરેલી ટ્રક પર ડ્રાઈવરનો કાબૂ ન રહેતાં ટ્રક સામેથી આવતાં વાહનો પર ધસી ગઈ હતી. આ ઘટનામાં 12 વાહનને નુકસાન થયું હતું અને ચાર જણ ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતને પગલે કલાકો સુધી ઘોડબંદર રોડ અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

કાસારવડવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર નિવૃત્તિ કોલ્હટકરે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સવારે સાત વાગ્યાની આસપાસ ગાયમુખ ઓક્ટ્રોય નાકા નજીક બનેલી ઘટનામાં શિવકુમાર બેચુપ્રસાદ યાદવ (56), રામબલી બાબુલાલ (22), અનીતા દિનેશ પેટવાલ (45) અને તસ્કિર શફિક અદમદ શેખ (45)ને ગંભીર ઇજા થઈ હતી. સારવાર માટે તેમને ઓવળા પરિસરની ટાયટન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બનેલા કન્ટેનરને કારણે ભયાનક અકસ્માત: છનાં મોત

અકસ્માત બાદ મલ્ટિ-એક્સેલ ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હોવાથી તેની શોધ ચલાવાઈ રહી છે. ઘટના માટે જવાબદાર એવા ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા નાગરિકોની પીટાઈથી બચવા કદાચ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હોવાનું પોલીસનું માનવું છે.

મળતી માહિતી અનુસાર અંદાજે 40 ટન સિમેન્ટ ભરેલી ટ્રક થાણેની દિશામાં જઈ રહી હતી. ગાયમુખ પાસે રસ્તો ઢોળાવવાળો હોવાથી ટ્રક ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક સામેની દિશામાંથી આવતાં વાહનો સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સામેની દિશાનાં 11 વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોમાં કાર, રિક્ષા અને એસયુવીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : પાલનપુર-ડીસા હાઈવે પર ભયાનક અકસ્માત: ડિવાઈડર સાથે કાર ટકરાઈને ફંગોળાઈ, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સવારના સમયે મીરા રોડ તરફની લેન પર ભારે ટ્રાફિક જૅમની સ્થિતિ હતી, જેને કારણે ટ્રાફિક વિભાગની કોઈ પણ જાતની સૂચના વિના જ અમુક વાહન ચાલકો ડિવાઈડર વિનાના ભાગમાંથી વિરુદ્ધ દિશામાં વાહની લઈ ગયાં હતાં. ડિવાઈડરની બાજુમાંથી જ ધીમે ધીમે વાહનો મીરા રોડની દિશામાં જઈ રહ્યાં હતાં ત્યારે ટ્રક તેમની તરફ ધસી આવી હતી.

ટ્રકની ટક્કરને કારણે અકસ્માતનો ભોગ બનેલાં વાહનો રસ્તા પર જાણે વેરવિખેર થઈ ગયાં હતાં. ટ્રક અને એસયુવી વચ્ચે ફસાયેલી એક કારનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટ્રક્કરની તીવ્રતાને કારણે એક કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી, જેને પગલે સામેની દિશામાંથી પસાર થતો ટેમ્પો એ કાર સાથે ભટકાયો હતો. પછી ટેમ્પો એટલો નમી ગયો હતો કે બે ટાયર પર તેનું સંતુલન જળવાયું હતું, જેને કારણે તે ઊંધો વળતાં બચી ગયો હતો. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરની કૅબિનનો પણ ખુરદો બોલાવાઈ ગયો હતો.

આ પણ વાંચો : જયપુર ભયાનક અકસ્માતમાં મોતનો આંકડો વધીને 19 થયો, ડમ્બર ચાલક નશામાં હતોઃ સૂત્ર

અકસ્માત થતાં જ વાહનધારકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. રિક્ષામાં ફસાયેલી બે મહિલાને બચાવતા લોકો વીડિયોમાં નજરે પડ્યા હતા. નજીવી ઇજા પામેલા અમુક લોકો તો જાતે જ ખાનગી વાહનમાં સારવાર માટે હૉસ્પિટલે પહોંચ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઘટનાને પગલે અકસ્માતગ્રસ્ત વાહનોમાંથી ઑઈલ રસ્તા પર ઢોળાયું હતું. ઑઈલ પર માટી નાખવા સહિત સુરક્ષાનાં પગલાં લેવાયાં હતાં.

દરમિયાન બનાવની જાણ થતાં કાસારવડવલી પોલીસ, ટ્રાફિક પોલીસ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાને કિનારે ખસેડતાં લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન બન્ને માર્ગ પરનો વાહનવ્યવહાર જાણે થંભી ગયો હતો. વાહનોની લાંબી લાઈન નજરે પડી હતી, જેને પગલે વાહનધારકો કલાકો સુધી ટ્રાફિકમાં રઝળી પડ્યા હતા.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button