આમચી મુંબઈ

ઘાટકોપરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા: ચાર પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશ વિસર્જનને દિવસે જ ઘાટકોપરમાં જૂની અદાવતને પગલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બનતાં ક્રાઈમ બ્રાન્ચે ચાર શકમંદને પકડી પાડ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ તૌસિફ યાકુબ અન્સારી (25), કરણ ગણેશ શિંદે ( 26), નિખિલ કલ્યાણ કાંબળે (19) અને રોશન નરેન્દ્ર શિરમુલ્લા (26) તરીકે થઈ હતી. વધુ તપાસ માટે આરોપીઓને ઘાટકોપર પોલીસના તાબામાં સોંપાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સાંજે 7.30 વાગ્યાની આસપાસ ઘાટકોપર પશ્ર્ચિમમાં ભટવાડી સ્થિત રામજી નગર કેબલ ઑફિસ પાસે બની હતી. એ જ પરિસરમાં રહેતા પરેશ સંજય ગોંટલ (28) અને તેના ભાઈ પ્રથમેશ પર હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતાં લોહીલુહાણ હાલતમાં બન્નેને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે પરેશને મૃત જાહેર કર્યો હતો.

ગણપતિ વિસર્જનને દિવસે જ બનેલી આ ઘટનાથી સંબંધિત વિસ્તારમાં ટેન્શનનો માહોલ ઊભો થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ઘટનાસ્થળે સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાદમાં હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા પ્રથમેશ પાસેથી મળેલી માહિતીને આધારે પોલીસે આરોપીઓની શોધ હાથ ધરી હતી.

આ પણ વાંચો :ફ્રી-વેને ઘાટકોપરથી થાણે સુધી લંબાવવાને મંજૂરી

અધિકારીના જણાવ્યા મુજબ આરોપી અન્સારીને ઘાટકોપરમાંથી અને તેણે આપેલી માહિતી પરથી અન્ય ત્રણ આરોપીને સાકીનાકા પરિસરમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. જૂની અદાવતને પગલે આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું. ચારેય આરોપી વિરુદ્ધ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button