ઘાટકોપરમાં ગળું ચીરી મહિલાની હત્યા કરવાના કેસમાં પડોશીની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉછીનાં લીધેલાં નાણાં પાછાં ન આપનારી મહિલાની ગળું ચીરી હત્યા કર્યા બાદ મૃતદેહને ઝાડીઝાંખરાંમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની ઘાટકોપરમાં બનેલી ઘટનામાં પોલીસે પડોશીની ધરપકડ કરી હતી. પંતનગર પોલીસે સોમવારે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ ઈરફાન ઉર્ફે ચાંદ ફકરેઆલમ અન્સારી (42) તરીકે થઈ હતી. કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર ઘાટકોપરના કામરાજ નગર સ્થિત રાયઝિંગ સિટીમાં રહેતી અમિનાબી સિદ્દીકી (41)એ પડોશમાં રહેતા આરોપી અન્સારીની પત્ની પાસેથી સાડાછ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આમાંથી ત્રણ લાખ રૂપિયા સિદ્દીકીએ પાછા આપ્યા હતા, પરંતુ બાકીના સાડાત્રણ લાખ રૂપિયા હજુ ચૂકવ્યા નહોતા.
વારંવાર માગવા છતાં રૂપિયા પાછા ન મળતાં હોવાથી આરોપી રોષે ભરાયો હતો. રોજ પ્રમાણે 24 ડિસેમ્બરની રાતે 10.30 વાગ્યાની આસપાસ જમ્યા પછી અમિનાબી વૉક માટે ગઈ હતી. ખાસ્સો સમય વીત્યા છતાં તે ઘરે પાછી ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. અમિનાબીની કોઈ ભાળ ન મળતાં આખરે પતિ મોહમ્મદ ઈબ્રાર અન્વર સિદ્દીકી (45)એ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
દરમિયાન બીજી સવારે ઘરથી થોડે જ અંતરે ઝાડીઝાંખરાંમાંથી મહિલાનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ગળું ચીરી તેની હત્યા કરવામાં આવી હતી અને તેના હાથ પર પણ ઇજાનાં નિશાન હતાં. આ પ્રકરણે પંતનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસ આરોપી અન્સારી સુધી પહોંચી હતી. તાબામાં લેવાયેલા અન્સારીએ પૂછપરછમાં ગુનો કબૂલ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો…પુત્ર માટેની કાતિલ ઝંખના: કલંબોલીમાં માતાએ છ વર્ષની પુત્રીને મારી નાખી



