ઘાટકોપરમાં રસ્તા પરનું પાણી શરીર પર ઊડતાં કાર ડ્રાઈવર સહિત બેની મારપીટ

મુંબઈ: વરસાદને કારણે રસ્તા પર જમા થયેલું પાણી શરીર પર ઊડતાં બે ફૂડ ડિલિવરી બૉયે વીજ વિતરણ કરતી કંપનીના કર્મચારી અને ડ્રાઈવરની મારપીટ કરી હોવાની ઘટના ઘાટકોપરમાં બની હતી.
વીજ વિતરણ કંપનીના કર્મચારી બાલચંદ્ર સાબળે (50)ની ફરિયાદને આધારે તિલક નગર પોલીસે ગુનો નોંધ્યો હતો. રાહદારીઓના ડરથી આરોપીઓ બાઈક ઘટનાસ્થળે જ છોડી ફરાર થયા હોવાથી બાઈકને આધારે બન્ને આરોપીને ઓળખી કઢાયા હતા.
આપણ વાંચો: ગિરગામમાં રેસ્ટોરાંના કર્મચારીની મારપીટ: બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે ઘાટકોપરના એમ. જી. રોડ પર બની હતી. આ પ્રકરણે ફૂડ ડિલિવરી બૉય આસીફ આરીફ ખાન (21) અને ચિતરંજન હિરાલાલ અગ્રવાલ (35) વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ફરિયાદી સાબળે જે કારમાં જઈ રહ્યો હતો તેના ટાયરથી રસ્તા પર જમા થયેલું વરસાદનું પાણી બાજુમાંથી પસાર થનારા બાઈકસવાર ખાન અને અગ્રવાલ પર ઊડ્યું હતું. પાણી ઊડવાને કારણે ગુસ્સો આવતાં આરોપીએ ફરિયાદીને કારને આંતરી હતી.
આપણ વાંચો: બીડમાં મહિલા વકીલની મારપીટ! વિપક્ષ દ્વારા મહાયુતિ સરકારની ટીકા
આરોપીઓએ કારના ડ્રાઈવર વિજય ઠોંબરેને ગાળાગાળી કરી મારપીટ શરૂ કરી હતી. એક આરોપીએ વિજયને હેલ્મેટ ફટકારતાં ફરિયાદીએ મધ્યસ્થી કરી હતી. રોષે ભરાયેલા આરોપીઓએ ફરિયાદીને પણ હેલ્મેટથી ફટકાર્યો હતો.
હંગામાનો અવાજ સાંભળી રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું, જેને પગલે ડરી ગયેલા આરોપી બાઈક ઘટનાસ્થળે જ છોડી નાસી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ ખાનગી કંપની માટે ફૂડ ડિલિવરીનું કામ કરતા હતા. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.