ઘાટકોપરમાં મિલકત વિવાદમાં વૃદ્ધાની હત્યા: સાવકા પુત્રની પત્નીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરના ફ્લૅટમાંથી સિનિયર સિટીઝન મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યાના કેસને પોલીસે 24 કલાકમાં જ ઉકેલી કાઢી મૃતકના સાવકા પુત્રની વહુની ધરપકડ કરી હતી. મિલકત વિવાદને પગલે અને ચોરીને ઇરાદે આ હત્યા કરાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર રાકેશ ઓલાએ જણાવ્યું હતું કે બુધવારની સાંજે છ વાગ્યાની આસપાસ ઘાટકોપર પશ્ર્ચિમમાં એનએસએસ રોડ પરની હિમાલય સોસાયટીના ચોથા માળે રહેતી શહનાઝ અનિસ કાઝી (65)નો મૃતદેહ મળી આવ્યો હતો.
શહનાઝ કૉલ રિસીવ કરતી ન હોવાથી એક સગાએ તેના પડોશીને ફોન પર જાણ કરી હતી. ડુપ્લિકેટ ચાવીની મદદથી ફ્લૅટ ખોલતાં બેડરૂમમાંથી શહનાઝનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.
આ પ્રકરણે ઘાટકોપર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ માટે ઝોન-7માંનાં દરેક પોલીસ સ્ટેશનોના ચુનંદા અધિકારીઓની 10 ટીમ બનાવવામાં આવી હતી.
ઘટનાસ્થળ આસપાસના પરિસર તેમ જ અન્ય સ્થળેના દોઢસોથી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. ફૂટેજને આધારે આરોપી મુમતાઝ ઈરફાન કાઝીની ઓળખ મેળવવામાં આવી હતી.
આપણ વાચો: પત્નીને કૉલ કર્યા બાદ નદીમાં ઝંપલાવી પતિની આત્મહત્યા: બે દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો…
અધિકારીના જણાવ્યા મુજબ ઘટનાની બપોરે મુમતાઝ બુરખો પહેરીને હિમાલય સોસાયટી સામેના મુખ્ય માર્ગ પરથી પસાર થતી નજરે પડી હતી. બુરખાધારી મહિલા શંકાસ્પદ જણાતાં તે જે દિશામાં જતી હતી ત્યાંનાં સીસીટીવી તપાસવામાં આવ્યા હતા. આખરે પોલીસે પગેરું શોધી કાઢતાં બુરખામાં મુમતાઝ હોવાની ખાતરી થઈ હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક શહનાઝના પતિ અનિસે બીજાં લગ્ન આયશા સાથે કર્યાં હતાં. અનિસ અને આયશા મૃત્યુ પામ્યા પછી તેનાં સંતાનોનો શહનાઝ સાથે મિલકતને મામલે વિવાદ ચાલતો હતો.
આ વિવાદને પગલે અને ચોરીને ઇરાદે શહનાઝના સાવકા પુત્રની પત્ની મુમતાઝે હત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે. ઘરમાંનું લાકડાનું સ્ટેન્ડ માથામાં ફટકારી શહનાઝની હત્યા કરાઈ હતી.



