આમચી મુંબઈ

આ મુંબઈના મેટ્રો સ્ટેશનની હાલત છે, નહીં કે કોઈ ગણેશ પંડાલની ભીડ, જાણો શું કહ્યું પ્રશાસને?

મુંબઈઃ મુંબઈની ‘લાઈફલાઈન’ ગણાતી લોકલ ટ્રેનમાં જબરજસ્ત ભીડના દ્રશ્યો રોજ જોવા મળે છે. શહેર પોતાની મહત્તમ મર્યાદા સુધી પહોંચી ગયું હોય તેવું લાગે છે. તાજેતરમાં જ ભીડના કારણે લટકી રહેલા ૧૩ મુસાફર પડી ગયા હતા અને કેટલાકના મોત થયા હતા. થોડા વર્ષો પહેલા ચિંચપોકલી સ્ટેશન પર ભીડને કારણે નાસભાગ થતા લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આવું જ ઘાટકોપર લોકલ અને મેટ્રો સ્ટેશન પર જોવા મળે છે. આજે સવારે પીક અવર્સ દરમિયાન ઘાટકોપર સ્ટેશન અને મેટ્રો સ્ટેશન પર થતી નાસભાગના વીડિયો વાયરલ થયા પછી લોકોએ તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આજે ઘાટકોપર અને અંધેરી મેટ્રો સ્ટેશન પરની પ્રવાસીઓની ભીડના વીડિયો વાયરલ થયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મર્યાદા કરતા વધુ ભીડ એસ્કેલેટરનો ઉપયોગ કરી રહી છે અને મેટ્રોમાં પ્રવેશવાનો માર્ગ શોધી રહી છે; આ નાની ઘટના ઝડપથી જીવલેણ ઘટનાનું રૂપ લઇ શકે છે. વીડિયો જોયા બાદ લોકો અનેક લોકોએ પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે સવાલ કર્યા હતા.

આ પણ વાંચો: ભારતના આ Metro Stationને નવાજવામાં આવ્યું બેસ્ટ મેટ્રો સ્ટેશનના ખિતાબથી…

ઘાટકોપરનો બીજો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ઘાટકોપર સ્ટેશન પર પુરુષો ચાલતી ટ્રેનમાંથી બળજબરીથી ધક્કો મારી રહ્યા છે અને કૂદી રહ્યા છે. આ વીડિયો શેર કરતા યુઝરે લખ્યું હતું કે ત્રણ દિવસ પહેલાનો આ વિડીયો છે. આ ટ્રેન ઘાટકોપર જતી ફાસ્ટ ટ્રેન હતી અને આ મુસાફરોની રોજિંદી સમસ્યા છે.

મુંબઈના ઘાટકોપર સ્ટેશનનો વાયરલ વીડિયો લોકલ ટ્રેનોમાં ભારે ભીડ દર્શાવે છે, જે આ ભયંકર પરિસ્થિતિ મુસાફરો માટે “સામાન્ય” બનવા અંગે પ્રશ્નો ઉભા કરે છે. ફૂટેજમાં મુસાફરોની ભીડ જોઈ શકાય છે, જેના કારણે લગભગ દોડધામ મચી જવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

આ દ્રશ્યો ઉપનગરીય રેલ નેટવર્કનો ઉપયોગ કરતા લાખો લોકો દ્વારા સામનો કરવામાં આવતા દૈનિક પડકારોને ઉજાગર કરે છે. જે દર્શાવે છે કે આ મુદ્દો કેટલો ગંભીર બની ગયો છે. મુસાફરો પીક અવર્સ દરમિયાન અનેક સ્ટેશનો પર ભીડની ફરિયાદ કરે છે. આ વીડિયો બાદ જાહેર માળખાગત સુવિધાઓ અને મુસાફરોની સલામતી અંગે ચર્ચાઓ વધુ તીવ્ર બની છે, જેમાં સુધારાઓ અને મુસાફરીની સ્થિતિમાં શું સ્વીકાર્ય હોવું જોઈએ તેનું પુનર્મૂલ્યાંકન કરવાની વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: મેટ્રો સ્ટેશનની કનેક્ટિવિટીને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર

ઘાટકોપર સ્ટેશન પરથી સામે આવેલા વીડિયોએ મુસાફરોની સલામતી અને જાહેર પરિવહનમાં, ખાસ કરીને મુંબઈ લોકલ ટ્રેનોમાં, ભીડને પહોંચી વળવા માટે સરકાર શું કરી રહી છે તે અંગે પ્રશ્નો ઉભા કરે છે. લોકલ ટ્રેનોમાં ભીડ અને ગીચતા એ ચિંતાજનક બાબત બની ગઈ છે, અને સ્થળાંતર અને જન્મને કારણે પ્રવાસીઓમાં વધારો જોતાં આ સમસ્યાઓના ઉકેલ માટે વાસ્તવિક પગલાં લેવા જોઈએ.

શું કહેવું છે મેટ્રો સત્તાવાળાઓનું?

ઘાટકોપરમાં મેટ્રો ટ્રિપ રદ થવાને કારણે પ્રવાસીઓની જોરદાર ભીડ થઇ ગઇ હતી. તેમાં વધારાના ૫૦૦ જેટલા પ્રવાસી આવતા વધુ ભીડ જામી હતી, તેથી અનેક પ્રવાસીઓને મેટ્રો પરિસરમાં દાખલ થવા માટે રાહ જોવાનો વારો આવ્યો હતો. અંદાજે ૪૫ મિનિટ સુધી આવી સ્થિતિ કાયમ રહી હતી.

મુંબઈ મેટ્રો-વન ઘાટકોપર અને અંધેરી વચ્ચે પીક અવર્સમાં મિક્સ-લૂપ સર્વિસ શોર્ટ-લૂપ સર્વિસ સેવા શરૂ કરવાની વિચારણા કરી રહી છે. આ સિવાય લાંબા સમયગાળાના ઉપાય તરીકે મુંબઈ મેટ્રો-વન દ્વારા તેના ધિરાણદારને ઈન્ડિયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિ. (આઇઆરસીએલ) દ્વારા નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ. (એનએઆરસીએલ)ને મેટ્રોના કોચ વધારવાની પણ યોજના મોકલવામાં આવી છે.

ઘાટકોપર મેટ્રો રેલવે સ્ટેશન શહેરના મહત્વપૂર્ણ કોર્પોરેટ વિસ્તારોને જોડે છે, મુંબઈગરાની મુસાફરીને સરળ બનાવે છે. જોકે, વીડિયો જોઈને લાગે છે કે શું તે ખરેખર વ્યવહારુ અને સ્માર્ટ પસંદગી છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button