મહિલાનો વેશ, પુરુષનો અવાજ: ઘાટકોપરમાં હિપ્નોટાઈઝ કરી ગુજરાતીનાં રોકડ-ઘરેણાં પડાવ્યાં
સોસાયટીમાં વૉચમૅન અને સીસીટીવી કૅમેરા ન હોવાથી આરોપીની ઓળખ મેળવવા પોલીસનાં ફાંફાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર પૂર્વના ઓડિયન મૉલની સામે આવેલી સોસાયટીમાં બનેલી ઘટના પછી ગૃહિણીઓએ ખાસ ચેતવાની જરૂર છે. આ સોસાયટીમાં માસ્ક પહેરીને આવેલી એક મહિલાએ ગુજરાતી ગૃહિણીને હિપ્નોટાઈઝ કરી 4.4 લાખની રોકડ અને સોનાનાં ઘરેણાં પડાવ્યાં હતાં.
વળી, આ સોસાયટીમાં વૉચમૅન અને સીસીટીવી કૅમેરા ન હોવાથી આરોપીની ઓળખ મેળવવું પોલીસ માટે મુશ્કેલ બન્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પીડિતાના જણાવ્યા અનુસાર આરોપી મહિલાના વેશમાં હતી, પણ તેનો અવાજ પુરુષ જેવો હતો.
ઘાટકોપરની કાંચન-ગંગા સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા પરેશ હિંમતલાલ વ્યાસ (50)ના ઘરમાં શુક્રવારની સવારે આ ઘટના બની હતી. સાડી પહેરી અને મોં પર માસ્ક લગાવીને આવેલી મહિલા પરેશભાઈની પત્ની સ્વીટી (46)ને હિપ્નોટાઈઝ કરી રોકડ અને સોનાના દાગીના મળી અંદાજે સાડાછ લાખ રૂપિયાની મતા પડાવી રફુચક્કર થઈ ગઈ હતી.
આપણ વાંચો: ફોકસ : કબૂતરબાજોની હવે ખેર નથી… દાયકાઓ સુધી સડશે જેલમાં!
થાણેમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા પરેશભાઈએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે સવારે સાડાસાતથી આઠ વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. પત્ની સ્વીટી ઘરનાં કામોમાં વ્યસ્ત હતી ત્યારે એક મહિલાએ ડૉરબેલ વગાડી હતી.

મોઢા પર માસ્ક પહેરીને આવેલી મહિલાએ સ્વીટીને વાતોમાં ભોળવી હતી. વાત વાતમાં પોતાની તરફ જોવાનું કહીને મહિલાએ સ્વીટીને હિપ્નોટાઈઝ કરી હતી. ત્યાર બાદ સ્વીટી મહિલાની વાતને અનુસરતી રહી હતી.
ઘરમાં રાખવામાં આવેલી ઑફિસના કામની રોકડ અને સ્વીટીએ પહેરેલા દાગીના પડાવી મહિલા ફરાર થઈ ગઈ હતી. આ બાબતે પરેશભાઈએ પંતનગર પોલીસને જાણ કરી હતી. ફરિયાદને આધારે પોલીસ તપાસ કરી રહી છે.
આપણ વાંચો: ફેસિયલ કરવા યુવાનની આંખ પર પટ્ટી બાંધ્યા પછી સોનાના દાગીના ચોર્યા
પંતનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અજિત ગોંધિયાળીએ જણાવ્યું હતું કે ઘટના અંગે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સોસાયટીમાં વૉચમૅન નથી અને સીસીટીવી કૅમેરા પણ લગાવવામાં આવ્યા નથી.
ફરિયાદી અને સાક્ષીઓએ આપેલા વર્ણનને આધારે મહિલાની ઓળખ મેળવવા પોલીસની ટીમ સોસાયટી આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.
સોસાયટીમાં રહેતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે 4-5 દિવસ પહેલાં પણ આવી જ ઘટના સોસાયટીના પહેલે માળે બની હતી, જેમાં રહેવાસીએ દસ હજારની રોકડ ગુમાવી હતી.