Ghatkopar Hoarding Tragedy: હોર્ડિંગ લગાવવા માટે ઝેર આપીને તોડાયા હતા વૃક્ષો…
મુંબઈઃ ઘાટકોપર ખાતે મસમોટું હોર્ડિંગ તૂટી પડતાં થયેલી દુર્ઘટના બાદ શહેરમાં લગાવવામાં આવેલા અનેક અનધિકૃ હોર્ડિંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. પાલિકા દ્વારા અનધિકૃત અને જોખમી હોર્ડિંગને દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દરમિયાન ઘાટકોપરમાં લગાવવામાં આવેલું સૌથી ઊંચુ હોર્ડિંગ લગાવવા માટે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
મુંબઈ પાલિકા દ્વારા આ હોર્ડિંગ માટે ત્રણ નોટિસ મોકલવામાં આવી હોવા છતાં પણ એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, એવો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે પહેલી નોટિસ માર્ચ, 2023માં લાઈસન્સ ફી બાબતે, બીજી નોટિસ બીજી મેના વૃક્ષો તોડવાને કારણે થયેલાં નુકસાન બાબતે તેમ જ ત્રીજી નોટિસ ગેરકાયદે લગાવવામાં આવેલું આ હોર્ડિંગ જોરદાર પવન ફૂંકાઈને પડ્યું એના થોડાક સમય પહેલાં જ મોકલવામાં આવી હતી.
ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડે 120 બાય 120 ફૂટનું મેટલનું બિલ બોર્ડ લગાવ્યું હતું. આ પ્લોટની દેખરેખ જેમના હસ્તગત હતી એ GRPને પણ નોટિસ મોકલવામાં આવી છે. જાહેરાતના બોર્ડ ઉભા કરવા માટેની જમીન હાલમાં મહારાષ્ટ્ર સરકારના પોલીસ ગૃહ નિર્માણ કલ્યાણ મહામંડળના તાબામાં હતી.
આ પણ વાંચો : ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળ્યા, ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું
આ બાબતે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે અમારી (BMC) પાસેથી કોઈ પણ પરવાનગી લીધા વિના ગેરકાયદેસર રીતે આ હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું અને મુંબઈ મહાનગરપાલિકા કાયદાની કલમ 388નું ઉલ્લંઘન છે એવું પાલિકા દ્વારા સોમવારે ફટકારવામાં આવેલી ત્રીજી નોટિસમાં જણાવવામાં આવ્યું છે. આ નોટિસ હોર્ડિંગ પડ્યું એના થોડાક સમય પહેલાં જ મોકલવામાં આવ્યું હતું.
આ હોર્ડિંગ એપ્રિલ, 2022માં લગાવવામાં આવ્યું હતું અને ત્યારથી એજન્સી પાસે 6.14 કરોડ રૂપિયાની લાઈસન્સ ફી પણ બાકી છે, જેને કારણે આ નોટિસ મળ્યાના 10 દિવસની અંદર જ બાકી રહેલી રકમ ચુકવવા તેમ જ એ જગ્યા પરના તમામ હોર્ડિંગ પણ દસ દિવસમાં હટાવવાનો આદેશ પણ નોટિસમાં આપવામાં આવ્યો છે.
પાલિકા દ્વારા બીજીના જીઆરપીને મોકરવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે પાલિકાને મળેલી માહિતી પ્રમાણે ઘાટકોપર ઈસ્ટ ખાતે રેલવે પોલીસ કર્મચારી કોલોનીમાં હોર્ડિંગ લગાવનારે હોર્ડિંગ લગાવતી વખતે અવરોધરૂપ થઈ રહેલાં વૃક્ષોને દૂર કરવા માટે વૃક્ષોને ઝેર આપીને તોડવામાં આવ્યા હતા. હોર્ડિંગની જગ્યા પર રહેલાં વૃક્ષો તોડવામાં આવ્યા હોવાની શંકાના આધારે પાલિકાએ કંપનીને આ નોટિસ ફટકારી હતી.