ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના: અલાહાબાદ હાઇ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસની,આગેવાની હેઠળ તપાસ સમિતિ નિમાઇ

મુંબઈ: ઘાટકોપરમાં 17 નિર્દોષનો ભોગ લેનારી અને 70થી વધુ લોકોને ઘાયલ કરનારી હોર્ડિંગ દુર્ઘટનાની ઊંડાણથી તપાસ કરવા માટે રાજ્ય સરકારે સોમવારે અલાહાબાદ હાઇ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દિલીપ ભોસલેની આગેવાની હેઠળ તપાસ સમિતિની રચના કરી છે.
ઘાટકોપરના છેડાનગરમાં 13 મેના રોજ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે વિશાળ હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પંપ પર પડ્યું હતું. આ દુર્ઘટના ચોક્કસ કેવી રીતે સર્જાઇ તેનાં તમામ પાસાંની સમયબદ્ધ રીતે તપાસ હવે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો : ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના:કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર, સિવિલ કોન્ટ્રેક્ટરને 15 જૂન સુધીની પોલીસ કસ્ટડી
આ મામલામાં ઇગો મીડિયા પ્રા.લિ.ના ડિરેક્ટર ભાવેશ પ્રભુદાસ ભિંડે, કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર જાહ્નવી મરાઠે, સિવિલ કોન્ટ્રેક્ટર સાગર પાટીલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર મનોજ સંગુની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (એસઆઇટી) પાલિકાના એન વોર્ડના એન્જિનિયર સુનીલ દળવીની પૂછપરછ કરી હતી. (પીટીઆઇ)