ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના: કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર,સહિત બે ગોવામાં પકડાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરના છેડા નગરમાં 17 જણનો ભોગ લેનારી હોર્ડિંગ દુર્ઘટનામાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કંપનીની ભૂતપૂર્વ ડિરેક્ટર સહિત બે જણને ગોવામાં પકડી પાડ્યાં હતાં.
હોર્ડિંગ દુર્ઘટનાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (એસઆઈટી) ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડની ભૂતપૂર્વ ડિરેક્ટર જાહ્નવી મરાઠે ઉર્ફે જાહ્નવી સોનલકરને ગોવાથી તાબામાં લીધી હતી.
હોર્ડિંગ દુર્ઘટનામાં નામ સંડોવાયા પછી જાહ્નવીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેનો ક્રાઈમ બ્રાન્ચે વિરોધ કર્યો હતો. સુનાવણી પછી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. જાહ્નવી ગોવામાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ગોવા પહોંચી હતી.
આ પણ વાંચો : યુએઈથી દાણચોરીથી લવાયેલી 189 ટન,સોપારી જપ્ત: ઘાટકોપરના વેપારીની ધરપકડ
દરમિયાન આ કેસમાં સિવિલ કોન્ટ્રાક્ટર સાગર પાટીલ ઉર્ફે સાગર કુંભારને પણ ગોવામાં પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસની ટીમ બન્નેને મુંબઈ લાવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, જેમાં ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર ભાવેશ ભિંડે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર મનોજ સંધુનો સમાવેશ થાય છે.