
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અનેક ગેરરિતિઓ, ભ્રષ્ટાચાર અને બેદરકારીઓના કારણે ઘાકટોપરમાં બનેલી હોર્ડિંગ દુર્ઘટના (Ghatkopar Hoarding Case)માં 17 નિર્દોષ નાગરિકોના કમનસીબ મૃત્યુ થયા ત્યારબાદ આ કેસમાં એક આઇપીએસ અધિકારીની સંડોવણી પણ છતી થઇ છે જેને પગલે તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.
તત્કાલિન ગવર્નમેન્ટ રેલવે પોલીસ કમિશનર કૈસર ખાલિદે જ હોર્ડિંગને મંજૂરી આપી હોવાનું જણાતા વરિષ્ઠ આઇપીએસ અધિકારી કૈસર ખાલિદને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ફક્ત એટલું જ નહીં, તેમની પત્ની જે કંપનીમાં ડાયરેક્ટર છે તેને હોર્ડિંગ લગાવનારી એડ એજન્સી ઇગો મીડિયા દ્વારા 47 લાખ રૂપિયા પહોંચાડવાનો આરોપ પણ છે.
હવે આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. આ પ્રકારની દુર્ઘટના બાદ વિરોધ પક્ષ દ્વારા સતત સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે કૈસર ખાલિદની સંડોવણી છતી થયા બાદ હવે સરકાર આક્રમક બની છે અને વિરોધ પક્ષ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપ દ્વારા આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપે કૈસર ખાલિદને ઉદ્ધવ ઠાકરેના બીજા સચિન વાઝે ગણાવ્યા હતા.
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર સચિન વાઝે મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા બહાર બોમ્બ મૂકવા અને મનસુખ હિરેન કેસ દરમિયાન વિવાદમાં સપડાયા હતા.
આ પણ વાંચો : મુંબઈ હોર્ડિંગ કેસ: મહારાષ્ટ્ર સરકારે આઈપીએસ ઓફિસર કૈસર ખાલિદને સસ્પેન્ડ કર્યા
ભાજપે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ઘાટકોપર દુર્ઘટનાના મુખ્ય આરોપી ભાવેશ ભિડે ઉદ્ધવ ઠાકરે જૂથના પદાધિકારી હતા. જ્યારે કૈસર ખાલિદને ઉદ્ધવ ઠાકરેની સરકાર દરમિયાન જ બઢતી આપવામાં આવી હતી અને તેમને રેલવે પોલીસના કમિશનર બનાવવામાં આવ્યા હતા. એટલે કે 17 જણનો જીવ લેવારા તમારા જ માણસો હતા.
કોરોનાકાળ દરમિયાન તમારા સત્તાધારીઓની વસૂલી ગેંગે ફેલાવેલા ભયને આખા મહારાષ્ટ્રએ જોયો. તમારી બેજવાબદારીના કારણે અનેક લોકોના જીવ વિના કારણ ગયા છે. આ વિષય પર હવે વિશ્વ પ્રવક્તા સંજય રાઉત મોંમાં મગ ભરીને ચૂપ બેસશે અને તેમની લખવા માટેની સ્યાહી પણ ખૂટી જશે, એવા શબ્દોમાં ભાજપ દ્વારા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધવામાં આવ્યું હતું.