ઘાટકોપર સ્ટેશન બહાર બહુમાળીય બિલ્ડિંગમાં આગ: કોઈ જખમી નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર(પૂર્વ)માં રેલવે સ્ટેશન બહાર આવેલી બહુમાળીય ઈમારતમાં ઉપરના માળે આવેલા ફ્લેટની બારીની બહાર આગ લાગવાનો બનાવ બન્યો હતો. સદ્નસીબે આગ મામૂલી હોવાથી કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ઘાટકોપરમાં રેલવે સ્ટેશન બહાર જવાહર રોડ પર ગ્રાઉન્ડ પ્લસ બે બેઝમેન્ટ સહિત ૧૫ માળની દ્વારકા બિલ્ડિંગ છે. શનિવારે બપોરના લગભગ ૧.૫૫ વાગે ફ્લેટ નંબર ૧૨૦૭ અને ૧૩૦૭ના બારીમાં લાગેલી ગ્રીલની બહાર સૂકાવેલા કપડામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ જોકે મામૂલી હોવાથી ફાયરબ્રિગેડ આવે તે પહેલા જ નિયંત્રણમાં આવી ગઈ હતી. સદ્નસીબે આ બનાવમાં કોઈ જખમી થયું નહોતું.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં ઉપરના માળા પર કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન તણખો નીચે બારમા અને તેરમા માળની બારીની બહાર સૂકાવેલા કપડામાં પડ્યો હતો અને અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે આગ મામૂલી હોવાથી ૨.૩૦ વાગ્યાની આસપાસ બુઝાવી દેવામાં સફળતા મળી હતી. જોકે બિલ્ડિંગ બહુમાળીય હોવાથી કોઈ જોખમ લેવામાં માગતા ન હોવાથી ઘટના સ્થળે તરત બે ફાયર ટેન્કરને રવાના કરી દેવામાં આવી હતી.



