ઘાટકોપરમાં કૅબ ડ્રાઈવરને ઊંચકીને જમીન પર પટક્યો

મુંબઈ: ઘાટકોપરમાં ઑડી કાર કૅબ સાથે ઘસાયા બાદ થયેલા વિવાદમાં કૅબના ડ્રાઈવરને ઊંચકીને જમીન પર પટકવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. સંબંધિત ઘટનાનો વીડિયો વાયરલ થતાં પાર્કસાઈટ પોલીસે ઘટનાના 10 દિવસ પછી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પાર્કસાઈટ પોલીસમાં નોંધાયેલા એફઆઈઆર અનુસાર ઘટના 18 ઑગસ્ટની રાતે બની હતી. અસલ્ફા મેટ્રો સ્ટેશન નજીક ઑડી કાર કયમુદ્દીન કુરેશી (24)ની કૅબ સાથે ઘસાઈ હતી. આ વાતને લઈ ઑડી કારમાં હાજર યુવાન સાથે કુરેશીનો વિવાદ થયો હતો. ઑડીમાં હાજર મહિલા કૅબનું જીપીએસ ડિવાઈસ કાઢી લઈ ગઈ હતી.
આ પણ વાંચો : Super Ride: ઘાટકોપર-વર્સોવા મેટ્રોની દૈનિક રાઈડરશિપ પાંચ લાખને પાર
ડિવાઈસ પાછું લેવા કુરેશીએ ઑડી કારનો પીછો કર્યો હતો. કાર આર સિટી મૉલ સામેની ઈમારતના ગેટ પાસે પહોંચી ત્યારે યુવાન કારમાંથી નીચે ઊતર્યો હતો. તેણે કુરેશીની મારપીટ કરી જમીન પર પટક્યો હતો. હૉસ્પિટલમાં સારવાર બાદ કુરેશીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી