ઈદની ઉજવણી પૂર્વે બીડની મસ્જિદમાં જિલેટિન સ્ટિક્સના બ્લાસ્ટથી ખળભળાટ…
બે માથાફરેલની ધરપકડ: ગામમાં તંગદિલીનો માહોલ: શાંતિની અપીલ સાથે પોલીસનો કડક બંદોબસ્ત

મુંબઈ: ઈદની ઉજવણી પૂર્વે બીડની મસ્જિદમાં જિલેટિન સ્ટિક્સનો ધડાકો કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. બ્લાસ્ટ કરનારા બે માથાફરેલની પોલીસે ધરપકડ કરી હોવા છતાં ગામમાં તંગદિલીનો માહોલ નિર્માણ થયો હતો. પોલીસે શાંતિ જાળવવાની અપીલ સાથે ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે ગૂડીપડવા અને ઈદની ઉજવણી થવાની હતી તે પૂર્વે ગેવરાઈ તાલુકાના અર્ધા મસલા ગામમાં આવેલી મસ્જિદમાં શનિવારની મધરાતે અઢી વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો. સદ્નસીબે આ ધડાકામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બ્લાસ્ટ પ્રકરણે પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ વિજય રામા ગવ્હાણે (22) અને શ્રીરામ અશોક સાગડે (24) તરીકે થઈ હતી. બન્ને જણ બીડ જિલ્લાના ગવરાઈ તાલુકાના રહેવાસી હોવાનું પોલીસનું કહેવું છે. બીડના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ નવનીત કાવતે જણાવ્યું હતું કે મધરાતે આરોપીઓ પાછળના ભાગમાંથી મસ્જિદમાં પ્રવેશ્યા હતા. મસ્જિદમાં જિલેટિન સ્ટિક્સ ગોઠવીને તેનો ધડાકો કરવામાં આવ્યો હતો.
ધડાકાનો અવાજ સંભળાતાં ગામવાસીઓ દોડી આવ્યા હતા. ધડાકાને કારણે મસ્જિદની ફ્લોરિંગની ટાઈલ્સ તૂટી ગઈ હતી. દીવાલોને તડ પડી હતી અને બારીના કાચ તૂટ્યા હોવાનું પણ કહેવાય છે. ગામના આગેવાને તલવાડા પોલીસને જાણ કરતાં અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જિલ્લાના એસપી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમ જ ફોરેન્સિકની ટીમને ઘટનાસ્થળે બોલાવાઈ હતી.
પ્રાથમિક તપાસને આધારે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ બન્ને આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. બન્ને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ શનિવારે રાતે જ ‘સંદલ’ સરઘસ વખતે બે જૂથ વચ્ચે છમકલું થયું હતું. તે સમયે ત્યાં હાજર બન્ને આરોપીને ગામવાસીઓએ સમજાવ્યા હતા. ગામમાં તહેવારો સાથે ઊજવવાની પરંપરા રહી છે. ગૂડીપડવા પર હિન્દુઓ મસ્જિદ નજીકની હઝરત સૈયદ બાદશાહ દરગાહની મુલાકાત લેતા હોય છે.
દરમિયાન ધડાકાને કારણે ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ગામમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય તે માટે પોલીસે સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી હતી. વિસ્ફોટમાં મસ્જિદની અંદરના અમુક ભાગને નુકસાન થયું છે, પરંતુ દાયકાઓથી ભાઈચારા સાથે રહેતા સ્થાનિકોએ મસ્જિદનું સમારકામ કરાવવાનું નક્કી કર્યું હતું.
આપણ વાંચો : હવે જાહેરમાં કચરો બાળનાર પાસેથી પાલિકા વસૂલ કરશે 1000 રૂપિયા…
એક માથાફરેલે વીડિયો બનાવ્યો
બીડ જિલ્લાની મસ્જિદમાં જિલેટિન સ્ટિક્સનો ધડાકો થયો તે પહેલાં એક માથાફરેલ આરોપીએ વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આરોપીના એક હાથમાં જિલેટિન સ્ટિક્સ નજરે પડે છે, જ્યારે બીજા હાથમાં સિગારેટ. સિગારેટ ફૂંકતો આરોપી કોઈ પણ પ્રકારના ડર વિના બેદરકારીથી જિલેટિન સ્ટિક્સ નજીક સળગતી સિગારેટ લઈ જતો દેખાય છે. વીડિયોમાં બૅકગ્રાઉન્ડમાં મરાઠી ગીત વાગતું હોવાનું સંભળાય છે.