Adani – Sharad Pawarની મુલાકાત: મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે કોઇ નવો ભૂકંપ?
મુંબઇ: મહાવિકાસ આધાડી અને એમાં પણ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની અદાણીના નામે ટીકા કરતું હોય છે. દરમીયાન ગુરુવારે રાતે ગૌતમ અદાણી શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચી ગયા હતાં. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી ચર્ચા ચાલી હતી. ત્યારે અદાણી-શરદ પવારની આ મુલાકાત મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ નવો ભૂકંપ લાવશે? તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં વહેતી થઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ફરી એકવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદની મુલાકાત લીધી છે. શરદ પવારના સિલ્વર ઓક બંગલા પર ગુરુવારે રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ પહોંચ્યા હતાં. અને આ બંને વચ્ચે લગભગ એક કલાક સુધી ચર્ચા થઇ હોવાનું કહેવાઇ રહ્યું છે.
એક તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ વારંવાર ધારાવીના મુદ્દે આક્રમક બની રહી છે. ત્યાં બીજી બાજુ શરદ પવાર અને ગૌતમ અદાણીની મુલાકાતને કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ થઇ રહી છે.અગાઉ પણ શરદ પવાર અને ગૌતમ અદાણી અનેકવાર મળ્યા છે. જોકે હવે અદાણીએ અચાનક શરદ પવારની મુલાકાત લેતા બંને વચ્ચે આખરે શું ચર્ચા થઇ હશે તેની તરફ બધાનું ધ્યાન છે.
એક તરફ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના કેટલાંક પક્ષો ગૌતમ અદાણીની ટીકા કરતાં હોય છે. તો બીજી બાજુ એ જ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ ગણાતાં શરદ પવારે પોતાની ભૂમીકા અલગ રાખી અદાણીની તરફેણ કરી છે. દેશના ઉદ્યોગોના વિકાસમાં અદાણીનો મોટો ફાળો છે એવી વાત અગાઉ શરદ પવારે અનેકવાર કરી છે. ઉપરાંત ગૌતમ અદાણીની સંસદની સંયુક્ત સમીતી દ્વારા તપાસ કરવામાં આવે એવી રાહુલ ગાંધીની માંગણીનો પણ શરદ પવારે વિરોધ કર્યો હતો.
દેશના તમામ પ્રમુખ ઉદ્યોગપતિઓ અને શરદ પવારના સંબંધો ખૂબ સારા છે. અનેક મહત્વના મુદ્દે આ ઉદ્યોગપતિઓએ શરદ પવારની મુલાકાત લઇ તેમની સાથે ચર્ચા કરી છે. ગૌતમ અદાણી પણ આ અગાઉ અનેકવાર શરદ પવારને મળ્યા છે, ચર્ચા કરી છે, સલાહ લીધી છે તેમ કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધારાવીના રિડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ ઉદ્યોગપતિ અદાણીની કંપનીને મળ્યો છે. ત્યાર બાદ ધારવીના રહેવાસીઓની વિવિધ માંગણીઓ માટે ઉદ્ધવ ઠાકરેએ ધારાવીમાં મોરચો કાઢી અદાણી અને ભાજપ પર જોરદાર ટીકા કરી છે. જરુર પડે તો મુંબઇ જ નહીં આખું મહારાષ્ટ્ર ધારાવીમાં લઇ આવીશ એવી ધમકી પણ ઉદ્ધવ ઠાકરેએ આપી હતી. જે વ્યવસાય ગુજરાત લઇ જવામાં આવ્યા છે તે ધારાવીમાં પાછા લાઓ, સૂરત લઇ જવામાં આવેલ આર્થિક કેન્દ્ર ધારાવીમાં બનવું જોઇએ એવી માંગણી ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.