અક્ષય કુમાર સાથે ફિલ્મમાં રોલ આપવાનું કહી યુવતી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો પકડાયો
મુંબઈ: બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારની પ્રોડકશન કંપનીનો હોવાનું કહીને એક યુવતી સાથે ઠગાઇ કરવાનો પ્રયત્ન કરનાર એક ગઠિયાની જુહુ પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપીએ અક્ષય કુમારની પ્રોડકશન કંપની હેઠળ ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપી એક યુવતી સાથે છેતરપિંડી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આરોપીએ યુવતીને ફિલ્મમાં રોલ અપાવવા માટે તેનો ફોટો શૂટ કરવામાં આવશે અને આ ફોટોગ્રાફર અમિતાભ બચ્ચન માટે કામ કરે છે એવું કહી આ યુવતી પાસેથી આરોપીએ છ લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરી આરોપી રોહન મહેરા ઉર્ફે પ્રિન્સ કુમાર સિન્હાની જુહુની એક હોટેલમાંથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘મેદાન’ પર કર્ણાટક હાઈકોર્ટનો સ્ટે
પોલીસ અધિકારીએ આ બાબતે કહ્યું હતું કે ત્રણ એપ્રિલે ખારમાં રહેતી એક યુવતીને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. આ ફોન કરીને આરોપીએ કહ્યું હતું કે તે અભિનેતા અક્ષય કુમારની પ્રોડકશન કંપનીથી વાત કરી રહ્યો છે અને તેનું નામ ફિલ્મ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ‘નિર્ભયા’ કેસ પર આધારિત છે, એવું આરોપીએ પીડિતાને કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ કહ્યું હતું કે આ ફિલ્મના રોલ માટે તમારો પોર્ટફોલીઓ બનાવવો જરૂર છે જેના ફોટોશૂટ માટે છ લાખ રૂપિયા આપવા પડશે.
યુવતીએ આ બાબતે તેના પિતા સાથે ચર્ચા કરી હતી અને તેમણે આ વ્યક્તિ બાબતે વધુ માહિતી મેળવવાની સલાહ આપી હતી. ત્યારબાદ યુવતીએ આ અંગે વધુ તપાસ કરવા માટે અક્ષય કુમારની નજીકની એક વ્યક્તિ સાથે વાત કરી હતી. આ દરમિયાન રોહન મહેરા નામનો કોઈપણ વ્યક્તિ અક્ષય કુમારની કંપનીમાં કામ ન હોવાની વાતનો ખુલાસો થયો હતો. પોતાની સાથે છતરપિંડી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ બાબત જાણી યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ યુવતીને આરોપીએ પૈસા લઈને જુહુની હોટેલમાં મળવા માટે બોલાવી હતી. જોકે યુવતીએ આ અંગે પોલીસને જાણ કરી તેના પિતા સાથે આરોપીની મળવા પહોંચી હતી. જ્યાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.