પ્રફુલ પટેલના ગઢમાં ગાબડું: ગોંદિયાના તાલુકા અધ્યક્ષ સહિત 300 કાર્યકર્તાઓનો કોંગ્રેસમાં પ્રવેશ
ગોંદિયા: પ્રફુલ પટેલનો ગૃહ જિલ્લો એટલે કે ગોંદિયામાં રાષ્ટ્રવાદિના ગઢમાં ગાબડું પડ્યું છે. યુવા રાષ્ટ્રવાદીના તાલુકા અધ્યક્ષ સહિત 300 કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પડેલી ફૂટ બાદ આ તમામ કાર્યકર્તાઓ પ્રફુલ પટેલ સાથે હતાં. જોકે હાલમાં ભાજપના કાર્યકર્તાઓ ત્રાસ આપી રહ્યાં હોવાનો આક્ષેપ કરી રાષ્ટ્રવાદીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
2 જુલાઇ 2023ના રોજ મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો રાજકીય ભૂંકપ થયો હતો. અજિત પવાર સત્તામાં સામેલ થયા હતાં. ત્યાર બાદ રાષ્ટ્રવાદી કોંગ્રસમાં અજિત પવાર અને શરદ પવાર એવા બે જૂથ પડ્યાં હતાં. જોકે ગોંદિંયા એ પ્રફુલ પટેલનો ગૃહ જિલ્લો હોવાથી અહીં રાષ્ટ્રવાદીમાં કોઇ ભાગલા જોવા મળ્યા નહતાં. જોકે આ ભાગલા બાદ ઉપરના સ્તરે શિવસેવા, ભાજપ અને રાષ્ટ્રવાદી (અજિત પવાર જૂથ) ભેગા થવાથી સામાન્ય કાર્યક્રતાઓને પણ સાથે કામ કરવાની ફરજ પડી હતી. જોકે રાષ્ટ્રવાદી, શિવસેના અને ભાજપ એક સાથે કામ કરી રહી છે ત્યારે સામાન્ય કાર્યકર્તાઓમાં ઘણાં પ્રશ્નો ઊભા થયા હતાં. ભાજપના કાર્યકર્તાઓ રાષ્ટ્રવાદીના કાર્યકર્તાઓને ત્રાસ આપી રહ્યાં છે એવા આક્ષેપ સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.
ગોંદિયા જિલ્લાના અંતરિયાળમાં આવેલ સાલેકસા તાલુકાના યુવા રાષ્ટ્રવાદી તાલુકા અધ્યક્ષ રોહીત બનોટે સહિત લગભગ 300 કાર્યકર્તાઓએ રાષ્ટ્રવાદી કોંગ્રેસનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જેને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (અજિત પવાર જૂથ)ને ગોંદિયામાં મોટો ઝાટકો લાગ્યો છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ સહિત મહારાષ્ટ્ર નવનિર્મણા સેનાના વિદ્યાર્થી સેનાના જિલ્લા અધ્યક્ષ રાહુલ હટવારે પણ તેના 100 કાર્યકર્તાઓ સાથે કોગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. ઉપરાંત ભાજપના પણ 50 કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પક્ષ પ્રવેશ કર્યો છે.
કોંગ્રેસના દેવરી-આમગાવ વિધાનસભા ક્ષેત્રના વિધાન સભ્ય સહસરામ કોરોટેના નેતૃત્વ પર વિશ્વાસ રાખીને લગભગ 450 કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આ પ્રેવશ બાદ દેવરી-આમગાવમાં કોંગ્રેસને બળ મળ્યું છે જ્યારે રાષ્ટ્રવાદીને મોટો ધક્કો લાગ્યો છે