ગણેશમંડળોને ખાડાનો દંડ: વિવાદમાં વિરોધપક્ષે ઝુકાવ્યું...

ગણેશમંડળોને ખાડાનો દંડ: વિવાદમાં વિરોધપક્ષે ઝુકાવ્યું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ગણપતિ મંડળોને મંડપ બાંધવા માટે કરવામાં આવતા ખાડાનો દંડનો મુદ્દો હવે રાજકીય બન્યો છે. સમન્યવ સમિતિની આંદોલનની ચેતવણી પછી હવે રાજ્યના વિરોધ પક્ષ આ મુદ્દે તેમના સમર્થનમાં જોડાયા છે અને પાલિકાના ઉચ્ચ અધિકારીને મળીને દંડને પાછો ખેંચવાની અરજ કરી છે.

ગણેશોત્સવ પહેલા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્વસ દરમ્યાન મંડપ બાંધવા માટે મંડપો દ્વારા કરવામાં આવતા ખાડા માટેનો દંડ ૨,૦૦૦ રૂપિયાથી વધારીને ૧૫,૦૦૦ રૂપિયા કરવાના નિર્ણયથી વિવાદ જાગ્યો છે. સેંકડો મંડળોનું પ્રતિનિધિત્વ કરતી બૃહનમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ આ પગલાંનો વિરોધ કર્યો છે અને હવે આ વિરોધમાં રાજકીય પક્ષ પણ જોડાયો છે અને તેણે પાલિકાના આ નિર્ણય પાછો ખેંચવાની માગણી કરી છે અને જો પાલિકા તેને નિર્ણય પાછો નહીં ખેંચે ચો આંદોલન કરવાની ધમકી પણ આપી છે.

પાલિકા વર્ષોથી ગણેશોત્સવ દરમ્યાન મંડપ બાંધવા માટે ખાડા કરનારા મંડળો પાસેથી દંડ વસૂલ કરી રહી છે. ગયા વર્ષ સુધી પ્રતિ ખાડા માટે દંડની રકમ ૨,૦૦૦ રૂપિયા હતી પણ આ વર્ષે ૨૧ જુલાઈના રોજ પાલિકાએ નોટિસ બહાર પાડીને દંડની રકમ ૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ ખાડા કરી નાખી છે. આ નિર્ણય સામે સાર્વજનિક ગણેશોત્સવ મંડળે નારાજગી વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે ૧૦ જુલાઈના ગણેશોત્સવને રાજ્ય ઉત્સહ જાહેર કર્યા બાદ મંડળોએ તહેવાર દરમ્યાન થોડી છૂટછાટ મળવાની અપેક્ષા રાખી હતી, તેની સામે પાલિકાએ દંડની રકમ વધારી નાખી છે.

એનસીપી (એસપી)ના યુવા પાંખના પ્રતિનિધિ મંડળે ગણેશમંડળો પરના દંડમાં વધારા કરવા સામે ચિંતા વ્યકત કરી હતી અને પાલિકાના મુખ્યાલયમાં એડિશનલ કમિશનર(પ્રોજેક્ટ) અભિજિત બાંગરને મળ્યા હતા. એનસીપી (એસપી)ના યુવા પાંખના મુંબઈ ચીફ એડવોકેટ અમોલ મેટેલેએ જણાવ્યું હતું કે પાલિકાની બેદરકારીને કારણે રસ્તાઓ પહેલાથી જ ખાડાઓથી ભરેલા છે છતાં તેના માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગણેશોત્સવ એક ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ચળવળ છે, જેમાં તેના પર દંડાત્મક પગલાં લાદવામાં આવે છે, જે અન્યાયી છે. જો આ દંડ પાછો ખેંચવામાં નહીં આવે તો તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો સાથે મળીને અમે ઉગ્ર આંદોલન કરશું.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button