અનેક ગણપતિ મંડળોના પદાધિકારીઓ સામે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો

થાણે: ગણેશોત્સવ દરમિયાન ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવા તેમ જ નાગરિકોની અવરજવરમાં અવરોધ ઊભો કરવા પ્રકરણે નવી મુંબઈના નેરુળમાં અનેક ગણપતિ મંડળોના પદાધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નેરુળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઉલ્લંઘન 7 સપ્ટેમ્બરે રાતે નવ વાગ્યાથી મોડી રાતે એક વાગ્યા દરમિયાન જોવા મળ્યા હતા.
ઉપરોક્ત મંડળોના પદાધિકારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તથા ધ્વનિ પ્રદૂષણ નિયમો અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આ પણ વાંચો: પુઢચ્યા વર્ષી બાપ્પા લવકર નહીં મોડા આવશે: ગણેશોત્સવ 2026ની તારીખ જાણી લો…
આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ગણપતિ વિસર્જન વખતે પત્રકારની સતામણી: મ્યુઝિકલ ગ્રૂપના સભ્યો વિરુદ્ધ ગુનો
પુણેમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મની મહિલા પત્રકારની સતામણી કરવા બદલ ‘ઢોલ તાશા’ ગ્રૂપના બે અજાણ્યા સભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
પુણેના ફરાસખાના પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે મ્યુઝિકલ ગ્રૂપના બે સભ્ય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ન્યૂઝ પોર્ટલની બે પત્રકાર શનિવારે સાંજના ગણપતિ વિસર્જનની શોભાયાત્રાનું કવરેજ કરવા માટે ગયાં હતાં ત્યારે મ્યુઝિકલ ગ્રૂપના એક સભ્યએ મહિલા પત્રકારના પગ પર લોખંડની ટ્રોલીનું ટાયર ફેરવી દીધું હતું. મહિલા પત્રકારે આ અંગે મ્યુઝિકલ ગ્રૂપના સભ્યને પૂછતાં તેણે તેને અયોગ્ય સ્પર્શ કર્યો હતો અને તેની સતામણી કરી હતી. મહિલા પત્રકારના સહકર્મીએ મધ્યસ્થી કરતાં તેની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી. (પીટીઆઇ)
(પીટીઆઇ)