ભિવંડીમાં ગણપતિ વિસર્જનમાં ધમાલ બાદ પોલીસનો લાઠીચાર્જ

થાણેઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. મળતી માહિતી અનુસાર ગણપતિની મૂર્તિને વિસર્જન માટે લઇ જતી વખતે મૂર્તિ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેનાથી લોકો ગુસ્સે થઈ ગયા હતા અને બે જૂથો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ કેસમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.
ગઇકાલે ગણેશોત્સવનો અંતિમ દિવસ અને બાપ્પાના વિસર્જનનો માહોલ હતો. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં પણ ગણપતિ વિસર્જનની ધમાલ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહોલ્લા કમિટી ગણેશ મંડળો દ્વારા વણઝરપટ્ટી નાકા ખાતે આવેલી હિન્દુસ્તાની મસ્જીદની બહાર મંડપ ઉભા કરી લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને રાત્રે 12 વાગ્યાના સુમારે ભગવાન ગણેશને વિસર્જન માટે ઘુંઘટ નગરથી કમવારી નદીમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ સમયે ગણેશની મૂર્તિ વંઝરપટ્ટી કેનાલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે હિન્દુસ્તાની મસ્જિદ પાસે કેટલાક લોકોએ મૂર્તિ પર પથ્થરમારો કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. આ ઘટનાને કારણે મૂર્તિ ખંડિત થઇ ગઇ હતી. જોકે, પોલીસ તેની તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ મંડળના લોકોએ મૂર્તિની તોડફોડ કરવાનો વિરોધ કરી ઘટનાસ્થળે હોબાળો મચાવ્યો હતો અને ટોળાએ એક યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. એટલામાં કેટલાક લોકો જય શ્રી રામના નારા લગાવતા આવી પહોંચ્યા હતા અને જોતજોતામાં તો આ મામલાએ ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું અને બંને કોમ સામસામે આવી ગઇ હતી.
મૂર્તિના વિસર્જન અંગે લોકોએ માંગ કરી હતી કે જ્યાં સુધી પોલીસ તમામ આરોપીઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં. પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી, પરંતુ, ગણેશ ભક્તો આરોપીઓને પકડવાની તેમની માંગ પર અડગ રહ્યા હતા. પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે લાઠીચાર્જ કર્યો, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પોલીસે માહિતી આપી છે કે આ ઘટના અંગે કેસ નોંધ્યા બાદ તપાસ ચાલી રહી છે. જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.