આમચી મુંબઈ

અમદાવાદના રહેવાસી પાસેથી 9.66 કરોડનો ગાંજો જપ્ત…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૅન્ગકોકથી આવેલા અમદાવાદના રહેવાસીની ધરપકડ કરી તેની પાસેથી અંદાજે 9.66 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગના ઍર ઈન્ટેલિજન્સ યુનિટે (એઆઈયુ) પકડી પાડેલા પ્રવાસીની ઓળખ મોહમ્મદ રુહાન શેખ (31) તરીકે થઈ હતી. અમદાવાદના શાહપુર ખાતેના પિકોક એપાર્ટમેન્ટમાં રહેતો શેખ ઝટપટ નાણાં કમાવાની લાલચે ગાંજાની તસ્કરીમાં સંડોવાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

ઈન્ડિગો ઍરલાઈન્સની ફ્લાઈટમાં બૅન્ગકોકથી આવનારા શેખ પાસે પ્રતિબંધિત ડ્રગ્સ હોવાની માહિતી એઆઈયુના અધિકારીને મળી હતી. માહિતીને આધારે શનિવારની રાતે મુંબઈના ઍરપોર્ટ પર પહોંચેલા શેખને આંતરવામાં આવ્યો હતો.
શેખ પાસેની કાળા રંગની ટ્રોલી બૅગની તપાસ કરવામાં આવી હતી. બૅગમાંથી પ્લાસ્ટિકની થેલીનાં 20 પૅકેટ્સ મળી આવ્યાં હતાં. અધિકારીઓએ ફીલ્ડ ટેસ્ટિંગ કિટથી તપાસ કરતાં પૅકેટ્સમાં હાઈડ્રોપોનિક ગાંજો હોવાની ખાતરી થઈ હતી.

આરોપી પાસેથી અંદાજે 9.66 કરોડ રૂપિયાનો 9,662 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી ભારતમાં કોને ગાંજો આપવાનો હતો તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : એરપોર્ટ પર પ્રવાસી પાસે 45 પ્રાણી મળ્યાં: ગૂંગળામણથી અમુકનાં મૃત્યુ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button