ગૅન્ગસ્ટર છોટા રાજનનો સાગરીત ૨૯ વર્ષ બાદ સુરતમાં ઝડપાયો
લૂંટના પ્રયાસના કેસમાં કોર્ટે સજા સંભળાવતાં આરોપી ફરાર થઈ ગયો હતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેમ્બુરમાં લૂંટના પ્રયાસ દરમિયાન પોલીસ પર હુમલો કરવાના કેસમાં કોર્ટે સજા સંભળાવ્યા પછી ફરાર થઈ ગયેલા ગૅન્ગસ્ટર છોટા રાજનના સાગરીતને મુંબઈ પોલીસે ૨૯ વર્ષ બાદ ગુજરાતના સુરત શહેરમાંથી પકડી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૫ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ સાકીર બરકત અલી લખાની (૫૯) તરીકે થઈ હતી. ધરપકડ કરાયેલા લખાનીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ ૧૯૯૪માં ચેમ્બુરના સિંધી કૅમ્પ વિસ્તારમાં એસ્ટેટ એજન્ટની ઑફિસમાં લૂંટના પ્રયાસની ઘટના બની હતી. આરોપી લખાની અને છોટા રાજન ગૅન્ગના અન્ય ચાર સભ્યો શસ્ત્રો સાથે એસ્ટેટ એજન્ટની ઑફિસમાં લૂંટને ઇરાદે ઘૂસ્યા હતા.
આરોપીઓના કાવતરાની જાણ ક્રાઈમ બ્રાન્ચને થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને પકડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીઓએ પોલીસ પર પણ શસ્ત્રોથી હુમલો કર્યો હતો. તે સમયે પોલીસે લખાનીને પકડી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૯૯, ૩૦૯, ૩૫૩ અને ૪૦૨ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લૂંટના પ્રયાસના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી હતી. જોકે એ દરમિયાનના સમયગાળામાં પોલીસે લખાનીના ત્રણ
સાથીનાં એન્કાઉન્ટરમાં ઢીમ ઢાળી દીધાં હતાં, જેને પગલે લખાની ફરાર થઈ ગયો હતો. સેશન્સ કોર્ટે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ બહાર પાડ્યા હતા.
પોલીસ લખાનીની શોધ ચલાવી રહી હતી, પરંતુ તે હાથ લાગ્યો નહોતો. તાજેતરમાં લખાની સુરતમાં ઓળખ બદલીને રહેતો હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. માહિતીને આધારે પોલીસે સુરતમાં રહેતો શખસ લખાની જ હોવાની ખાતરી કરી હતી. આખરે છટકું ગોઠવી તેને તાબામાં લેવાયો હતો.