આમચી મુંબઈમહારાષ્ટ્ર

હોટેલિયર જયા શેટ્ટીની હત્યાના કેસમાં ગેન્ગસ્ટર છોટા રાજનને આજીવન કારાવાસ

મુંબઈ: 2001માં હોટેલિયર જયા શેટ્ટીની થયેલી હત્યાના કેસમાં વિશેષ કોર્ટે ગુરુવારે ગેન્ગસ્ટર છોટા રાજનને અજીવન કારાવાસની સજા ફટકારી હતી.

મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસ માટેના વિશેષ જજ એ. એમ. પાટીલે ગેન્ગસ્ટર છોટા રાજનને ભારતીય દંડસંહિતાની જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવ્યો હતો.

જયા શેટ્ટી દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં ગોલ્ડન ક્રાઉન નામે હોટેલ ધરાવે છે. રાજન ગેન્ગના બે સભ્યોએ 4 મે, 2001ના રોજ હોટેલના પહેલા માળે શેટ્ટીની ગોળી મારીને હત્યા કરી હતી. હોટેલના મેનેજરે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.

આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રાજન ગેન્ગના સભ્ય હેમંત પૂજારી તરફથી શેટ્ટીને ખંડણી માટે કૉલ આવી રહ્યા હતા અને ખંડણીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જવાને કારણે શેટ્ટીની હત્યા કરાઇ હતી.

રાજન વિરુદ્ધ ખંડણી અને સંબંધિત ગુનાઓ માટે અનેક કેસ દાખલ હોવાથી હોટેલિયરની હત્યાના કેસમાં રાજન અને અન્ય આરોપીઓ સામે એમસીઓસીએ હેઠળ આરોપ ઉમેરવામાં આવ્યા હતા. અગાઉના બે અલગ-અલગ ખટલામાં હત્યાના કેસના ત્રણ આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને પુરાવાના અભાવે એક આરોપીને નિર્દોષ જાહેર કરાયો હતો.

2011માં જર્નલિસ્ટ જે. ડેની હત્યા બદલ આજીવન કારાવાસની સજા ભોગવી રહેલો રાજન હાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button