આમચી મુંબઈ

ગાયોને કતલખાને લઈ જતી ટોળકીએ પોલીસને ટેમ્પોથી કચડવાનો પ્રયાસ કર્યો

થાણે: ગાયોને કતલખાને લઈ જતી ટોળકીએ નાકાબંધીમાં હાજર પોલીસ ટીમને ટેમ્પોથી કચડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ભિવંડીમાં બની હતી. પોલીસે સતર્કતા વાપરીને ટેમ્પોનો પીછો કરી ડ્રાઈવરને પકડી પાડ્યો હતો અને સાત ગાય છોડાવી હતી. આ પ્રકરણે પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધ હાથ ધરી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ભિવંડીના કોશિંબે ફાટા નજીક 14 નવેમ્બરના મળસકે 3.30 વાગ્યે બની હતી. અમુક લોકો ગાયને કતલખાને લઈ જવાના હોવાની માહિતી મળતાં જ પડઘા પોલીસે નાકાબંધી કરી હતી. વાહનોને ચકાસણી પછી છોડવામાં આવી રહ્યાં હતાં ત્યારે એક ટેમ્પો પૂરપાટ વેગે વાશિંદની દિશામાંથી પડઘા તરફ આવ્યો હતો.

આપણ વાચો: ગેનીબેનનું નિવેદન “ગાયોના કતલખાના પાસેથી કોંગ્રેસે ચૂંટણી ફંડ લીધું હોય તો….

પોલીસે ઇશારો કરતાં ડ્રાઈવરે ટેમ્પો રોક્યો પણ ખરો. બે કોન્સ્ટેબલ ટેમ્પોની આગળ ઊભા હતા ત્યારે અધિકારી પાછળ ટેમ્પોમાં શું છે તે તપાસવા ગયા હતા. એ જ સમયે બાઈક પર આવેલા શખસે ‘પોલીસ કો ઉડા દો…’ કહેતાં ડ્રાઈવરે ટેમ્પો સ્ટાર્ટ કર્યો હતો. પોલીસને કચડવાનો પ્રયાસ કરી ટેમ્પો પૂરપાટ વેગે ભગાવ્યો હતો.

પોલીસે તાત્કાલિક તેમના વાહનમાં ટેમ્પોનો પીછો કર્યો હતો. કહેવાય છે કે ટ્રાફિકને કારણે ડ્રાઈવરે એક હોટેલ નજીક ટેમ્પો ઊભો રાખ્યો હતો. બાઈકસવાર ટેમ્પોના ડ્રાઈવરને બાઈક પર બેસાડી ફરાર થવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. જોકે બાઈકસવાર અને ટેમ્પોમાં હાજર અન્ય આરોપી ફરાર થઈ ગયા હતા.

આપણ વાચો: ડીસા-પાટણ હાઈવે પર ગૌરક્ષકોએ પોલીસ પર કર્યો હુમલો, 3 હુમલાખોરની અટકાયત

પકડાયેલા ટેમ્પો ડ્રાઈવર અક્ષય પાટીલની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શહાપુરની એક વ્યક્તિ પાસેથી સાત ગાય લાવવામાં આવી હતી, જે પડઘાના બોરીવલી ગામે લઈ જવાતી હતી. પોલીસે સાત ગાય છોડાવી હતી અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button