એક્સપાયર માલનું રીપેકિંગ: ભિવંડીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ!

મુંબઈઃ ઘરગથ્થું અનાજ, કઠોળ કે સૂકા મેવા જેવા ખાદ્ય પદાર્થો સસ્તા ભાવે મળતા હોય એટલે લોકો સ્થાનિક બજારમાં લેબલ લાગવ્યા વિનાના પેકેટોમાં વેચનારા પાસેથી ખરીદતા હોય છે. પણ આવા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થાય તેવો વિશ્વાસઘાત થતો હોય તેવી શક્યતા તરફ ઈશારો કરતો બનાવ સામે આવ્યો છે.
200 ટન એક્સપાયર થયેલા ઉત્પાદનો જપ્ત
થાણે જિલ્લામાં એક્સપાયરી સમાપ્ત થયેલા ખાદ્યપદાર્થો અને ઘરગથ્થુ વસ્તુઓ કથિત રીતે રિપેકિંગ કરીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ બાબતે પોલીસે એક રિસાયક્લિંગ કંપનીના બે માણસોની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.
થાણે શહેર પોલીસે 9 અને 10 જુલાઈના રોજ શિલ-દૈઘરના દહિસર વિસ્તારમાં બે ગોડાઉન પર છાપા માર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ લગભગ 200 ટન એક્સપાયર થયેલા ઉત્પાદનો જપ્ત કર્યા હતા જે મૂળ રીતે એક ઈ-કોમર્સ કંપની દ્વારા સુરક્ષિત નિકાલ માટે મોકલવામાં આવ્યા હતા.
આપણ વાંચો: સુરત બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં 500 પાનાની ચાર્જશીટ રજૂ; ગજાનન ગન હાઉસના માલિક સહિત 9 આરોપી…
ઘરગથ્થું સામાનના ફરીથી પેકિંગ કરતા હતા
આરોપીઓ, મોહમ્મદ ઇરફાન મોહમ્મદ મુનીર ચૌધરી (41) અને મોહમ્મદ અકરમ મોહમ્મદ ઇસ્માઇલ શેખ (58) ભિવંડી સ્થિત એક રિસાઇક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ ફર્મમાં ભાગીદાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને વ્યક્તિઓ અનાજ, કઠોળ, લોટ, ખાંડ, ચોખા અને સૂકા મેવા જેવી સમયસીમા સમાપ્ત થઈ ગયેલી ખાદ્ય ચીજો, તેમજ ટોઇલેટ ક્લીનર, સેનિટરી પેડ્સ, સાબુ અને વોશિંગ પાવડર સહિત ઘરગથ્થું સામાનના ફરીથી પેકિંગ કરતા હતા.
લેબલ જાણી જોઈને દૂર કરવામાં આવ્યા હતા, અને સ્થાનિક બજારોમાં ફરીથી વેચાણ માટે પ્લાસ્ટિક અને ગની બેગમાં વસ્તુઓ ફરીથી પેક કરવામાં આવી હતી.
આપણ વાંચો: મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કૌભાંડ: આરોપીઓ સામે એમસીઓસીએ લગાવવાની માગ
ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી
માલસામાનનો તેના હેતુ મુજબ ક્યારેય નાશ કરવામાં આવ્યો નહોતો. તેના બદલે, તેને ભિવંડી અને નજીકના વિસ્તારોમાં પુનઃવિતરણ માટે સંગ્રહિત કરવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. બંને પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) (છેતરપિંડી), 336(2) (બનાવટ) અને 340(2) (બનાવટી દસ્તાવેજો અથવા રેકોર્ડનો અસલી તરીકે ઉપયોગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.