આમચી મુંબઈ

બોગસ દસ્તાવેજો પર મોંઘી કારો ખરીદીને વિવિધ રાજ્યોમાં વેચનારી ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
બોગસ દસ્તાવેજોને આધારે બૅન્ક અને ફાઈનાન્સ કંપનીઓમાંથી મેળવેલી લોન પર ખરીદવામાં આવેલી મોંઘીદાટ કારો વિવિધ રાજ્યોમાં વેચનારી ટોળકીના સાત આરોપીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. અમુક પ્રકરણોમાં આરોપીઓ જે કાર ખરીદતા તે જ મોડેલની કાર ચોરતા અને લોન પર લીધેલી કારની નંબર પ્લૅટ, ચેસીસ, એન્જિન નંબરનો ઉપયોગ કરી ચોરેલી કાર વેચી નાખતા હોવાનું જણાયું હતું. આરોપીઓ પાસેથી 16 કાર જપ્ત કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રવીન્દ્ર ગીરકર ઉર્ફે પ્રદીપ શર્મા (47), મનીષ શર્મા (39), સૈયદ નાવેદ અલી (52), દાનીશ ખાન (32), સાંઈનાથ ગંજી (29) અને યશકુમાર જૈન (33) અને ઈમરાન ખાન ઉર્ફે દેવા (38) તરીકે થઈ હતી. તેમની પાસેથી 7.30 કરોડ રૂપિયાની 16 કાર, 11 મોબાઈલ ફોન અને બે લૅપટોપ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

આપણ વાંચો: સુરતમાં બોગસ દસ્તાવેજો સાથે બાંગ્લાદેશી યુવક ઝડપાયો, દોઢ વર્ષથી સુરતની ઝૂપડપટ્ટીમાં રહેતો

પોલીસના જણાવ્યા મુજબ જાણીતી ફાઈનાન્સ કંપનીની ઘાટકોપર શાખાના અધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે માર્ચ, 2023માં ગુનો નોંધ્યો હતો. આરોપીએ પ્રદીપ શર્માના બોગસ નામે દસ્તાવેજો રજૂ કરી ફાઈનાન્સ કંપની પાસેથી કાર લોન મંજૂર કરાવી હતી. આ લોન પર તેણે 16 લાખ રૂપિયાની કાર ખરીદી હતી.

બાદમાં લોનની રકમ ચૂકવી નહોતી. ફાઈનાન્સ કંપની દ્વારા તપાસ કરવામાં આવતાં આરોપી ઑફિસ બંધ કરી રફુચક્કર થઈ ગયો હતો, જ્યારે તેનો મોબાઈલ પણ સ્વિચ ઑફ્ફ આવતો હતો.

આપણ વાંચો: Alert: યુપીમાં રેલવે અને આર્મીની પરીક્ષાના ઉમેદવારો માટે બોગસ દસ્તાવેજો બનાવનારી ગેંગનો પર્દાફાશ

આવા પ્રકારની ઉપરાઉપરી ફરિયાદ મળતાં આંતરરાજ્ય ઠગ ટોળકી સક્રિય હોવાની શંકા પરથી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી મુંબઈ, ગુજરાત, થાણે, ઈન્દોર અને મધ્ય પ્રદેશથી સાત જણને પકડી પાડ્યા હતા.

આરોપીઓ મહારાષ્ટ્ર બહારના વેપારીઓના જીએસટી ડેટા ઑનલાઈન પ્રાપ્ત કરતા હતા. તેને આધારે જ પૅન કાર્ડ નંબર મેળવી વેપારીના સિબિલ સ્કોરની માહિતી મેળવતા હતા. બાદમાં આ માહિતીને આધારે બોગસ દસ્તાવેજો તૈયાર કરીને પૉશ વિસ્તારમાં ભાડેની જગ્યામાં વ્યવસાય સંબંધી ઑફિસ ખોલતા હતા. બાદમાં એ વ્યવસાયને આધારે શો-રૂમમાં મોંઘી કાર બુક કરતા અને બૅન્ક તથા ફાઈનાન્સ કંપનીમાંથી લોન મેળવતા હતા.

બીજી બાજુ, અન્ય રાજ્યોમાં ભાડાની જગ્યામાં કારનો શો-રૂમ શરૂ કરી લોન પર લીધેલી કાર વેચતા હતા. એ સિવાય લોન પર લીધેલી કાર જેવા જ મોડેલની કાર ચોરી કરતા હતા. ચોરેલી કાર પર લોન પર લીધેલી કારની નંબર પ્લૅટ લગાવતા. એ સિવાય ચેસીસ અને એન્જિન નંબર પણ બદલી નાખતા. બાદમાં શો-રૂમમાં એ ચોરેલી કાર પણ વેચવા મૂકતા હતા. કાર ખરીદદારને કે અન્ય કોઈને શંકા જાય તો આરોપી ઑફિસ, મોબાઈલ અને શો-રૂમ બંધ કરી રફુચક્કર થઈ જતા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button