મુંબઈ બનશે ગણરાયામય: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજથી ગણેશોત્સવનો શુભારંભ
1પ,000 પોલીસ અધિકારી-કર્મચારી રહેશે ખડેપગે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિઘ્નહર્તાનું આજે વાજતે-ગાજતે આગમન થવાનું હોવાથી મુંબઈ પોલીસે પણ બંદોબસ્તની તૈયારી કરી લીથી છે. ગણેશોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન નિર્માણ ન થાય એ માટે મહાગરમાં 15,000 પોલીસ અધિકારી-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ બાપ્પાના આગમન અને વિસર્જન દરમિયાન વાહનવ્યવહારની સરળતા માટે ટ્રાફિક પોલીસે પણ પોતાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
શહેરમાં ગણેશોત્સવ દરમિયાન મુંબઈ પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 32 ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી), 45 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) સહિત 2,435 પોલીસ અધિકારી અને 12,420 પોલીસ કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: એસટીની હડતાળ યથાવત્: ગણેશોત્સવ ટાણે હજારો પ્રવાસીઓ ફસાયા…
ઉપરાંત મહત્ત્વના સ્થળોએ બંદોબસ્ત માટે ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી), સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ), રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સ, ડેલ્ટા અને કોમ્બેટ તેમ જ હોમગાર્ડની પણ મદદ લેવામાં આવી છે.
તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે અને શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ પર નજર રાખવાનું દરેક પોલીસ સ્ટેશનને કહેવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત ગોઠવાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
લોકોની ગિરદીના સ્થળે પોલીસને સહકાર્ય કરવા, નધણિયાતી કે શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તાત્કાલિક પોલીસને તેની માહિતી આપવા અને મદદ માટે પોલીસ હેલ્પલાઇન 100, 112 પર સંપર્ક સાધવાનું પોલીસે જણાવ્યું હતું.