સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશભક્તોને મળશે આ સુવિધા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિબાપ્પાના મંદિરે મુંબઈ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં આવતા ગણેશભક્તોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મંદિર પરિસરનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. મંદિર તરફ આવતા રસ્તાઓને પહોળો કરવાથી લઈને મંદિર પરિસરમાં પૂજાનો સામાન વેચનારા ફેરિયાઓનું પુનવર્સન તો કરવામાં આવશે પણ એ સાથે જ દાદર રેલવે સ્ટેશન (પશ્ર્ચિમ)થી દર પાંચ મિનિટે ભક્તો માટે ‘બેસ્ટ’ની બસ પણ દોડાવવામાં આવવાની છે.
શ્રી સિદ્ધિવિનાયક મંદિર એ મહારાષ્ટ્ર સહિત દેશભરના પ્રમુખ અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાં એક ગણાય છે. મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. તેથી ભક્તોની સુવિધા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોવાનો દાવો પાલિકાએ કર્યો હતો.
પાલિકાના જી-દક્ષિણ વોર્ડ દ્વારા સિદ્ધિવિનાયક મંદિર પરિસરનો વિકાસ કરવા સ્પેશિયલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવવાનો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ શ્રી સિદ્ધિવિનાયક મંદિરની બાજુમાં આવેલા રાવબહાદૂર સી. કે. બોલે માર્ગ પર હાલ પૂજાનો સામાન વેચનારા ફેરિયાઓને કારણે પ્રવેશદ્વાર પર ભીડ થતી હોય છે. તેથી ભીડ ટાળવા માટે આ વિક્રેતાનું કાકાસાહેબ ગાડગીળ માર્ગ પર સ્થળાંતર કરવાનું પ્રસ્તાવિત છે. તેમ જ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે આવનારા ભક્તો માટે અલાયદો રસ્તો પણ આ પ્રોજેક્ટ હેઠળ નિર્માણધીન છે.
મંદિરના બંને રોડ પર ભવ્ય પ્રવેશદ્વાર પણ ઊભો કરવામાં આવવાનો છે. અત્યાધુનિક સ્વચ્છતાગૃહ પણ તૈયાર કરાશે. દિવ્યાંગ, ગર્ભવતી મહિલા, સિનિયર સિટિઝન માટે દર્શનની લાઈનમાં તાત્પૂરતી બેસવાની વ્યવસ્થા, વરસાદ અને તડકાથી બચવા માટે છત ઊભી કરાશે. મંદિર તરફ જતા તમામ રસ્તાઓને પહોળો કરવાની સાથે જ ભક્તો માટે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે.
મંદિરની સુરક્ષા સંબંધી ઉપાયયોજના કરવામાં આવવાની છે. મંદિર પાસેના નવા મેટ્રો સ્ટેશનથી મંદિર આવનારા ભક્તો માટે વધારાની સુવિધા તૈયાર કરવામાં આવવાની છે. એ સિવાય દાદર રેલવે સ્ટેશન (પશ્ર્ચિમ)થી શ્રી સિદ્ધિવિનાયક મંદિર દરમિયાન દર પાંચ મિનિટે ‘બેસ્ટ’ ઉપક્રમની મિની બસ દોડાવવાની પણ યોજના છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મંદિર આવતા ભક્તોને ઉચ્ચ ગુણવત્તાની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવવાનો છે. પાલિકા દ્વારા આ પ્રોેજેક્ટમાં રસ ધરાવતા લોકોને આમંત્રણ આપવામાં આવવાનું છે. આંતરરાષ્ટ્રીય દરજ્જાના પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ક્ધસલ્ટન્ટ અને આર્કિટેક્ટની નીમવામાં આવવાના છે.