ગણેશ આગમન આજે ટ્રાફિકમાં ફેરફાર

ચિંતા હરતા ચિંતામણિ… ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહી ગયા છે ત્યારે શનિવારે લાલબાગના જાણીતા ‘ચિંચપોકલી ચા ચિંતામણિ’નું ધામધૂમથી આગમન થયું હતું. બાપ્પાને સત્કારવા માટે રસ્તા પર હજારો લોકોની ભીડ જામી હતી. (અમય ખરાડે)
મુંબઈ: ગણેશ આગમનમાં નીકળતા સરઘસોની પાર્શ્ર્વભૂમિ પર રવિવારે લાલબાગ વિસ્તારના માર્ગમાં ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામ ન થાય એ માટે વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો, એવી અપીલ ટ્રાફિક પોલીસે કરી છે.
રવિવારે બપોરે ૧૨ વાગ્યાથી ભાયખલા ટ્રાફિક વિભાગની હદના ડો. બી.એ. રોડ, દક્ષિણ અને ઉત્તર તેમ જ સાને ગુરુજી માર્ગ પર ગણપતિ આગમન સરઘસનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ભીડ થવાની શક્યતાને ધ્યાનમાં લઇને રવિવારે બપોરે ૧૨ વાગ્યાથી ડો. બાબાસાહેબ આંબેડકર (બી.એ. રોડ), દક્ષિણ દિશા – કોમ્રેડ કૃષ્ણા દેસાઈ ચોક (ભારતમાતા જંક્શન)થી હંસરાજ રાઠોડ ચોક (બાવલા કમ્પાઉન્ડ જંક્શન) ટ્રાફિક માટે બંધ કરવામાં આવશે. આ ઉપરાંત ડો. બી. એ. રોડ, ઉત્તર દિશા – હંસરાજ રાઠોડ ચોક (બાવલા કમ્પાઉન્ડ જંક્શન સુધી)થી કોમ્રેડ કૃષ્ણા દેસાઈ ચોક (ભારતમાતા જંક્શન) માર્ગોને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાને ગુરુજી માર્ગ – કોમ્રેડ ગણાચાર્ય જંક્શન (ચિંચપોકલી જંક્શન)થી સંત જગનાડે મહારાજ ચોક (ગેસ કંપની) માર્ગને પણ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો છે.