વર્ધામાં ગાંધીજીના હેરિટેજ સ્ટ્રક્ચર્સનું નવનિર્માણ…

વર્ધા: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા ત્રણ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નવનિર્માણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ બાંધકામમાં એક મ્યુઝિયમ, પ્રાર્થના ખંડ અને પરિસરમાં કારીગરો માટે એક સંકુલનો સમાવેશ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફોર રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન (એમજીઆરઆઇ) દ્વારા સોમવારે જણાવ્યા અનુસાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસ મંત્રાલયે પુનરુત્થાન યોજના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
આ નિર્ણય અનુસાર ગાંધી સ્મૃતિ ભવન, કસ્તુરબા રસોઇ અને વર્ધા હાટનું દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (આઇજીએનસીએ) દ્વારા નવ નિર્માણ કરવામાં આવશે. આ યોજનામાં સંસ્થાના વિભાગો અને પ્રયોગશાળાઓમાં સુધારો કરવાનો પણ સમાવેશ થાય છે.
એક સમયે મહાત્મા ગાંધીના નિવાસસ્થાન તરીકે કાર્યરત ગાંધી સ્મૃતિ ભવનને એક સંગ્રહાલય અને પ્રાર્થના ખંડમાં ફેરવી દેવામાં આવશે. તેમાં સમારકામ કરવા ઉપરાંત મૂલ્યવાન સંગ્રહોનું ડિજિટાઇઝેશન અને ગાંધીવાદી વિચારધારાઓને દર્શાવતું એક ઇન્ટરેક્ટિવ પ્રદર્શન પણ સામેલ હશે. કેવળ ધ્યાન ધરવા (મેડિટેશન) માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.
એમજીઆરઆઇએ આ પ્રોજેક્ટ માટે સંસ્કૃતિ મંત્રાલય હેઠળની હેરિટેજ સંસ્થા આઇજીએનસીએ સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. મહાત્મા ગાંધીએ 14 ડિસેમ્બર, 1934ના રોજ વર્ધાની આ જમીન પર ઓલ ઇન્ડિયા વિલેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (એઆઇવીઆઇએ)ની સ્થાપના કરી હતી.
આ જમીન તેમને નિકટવર્તીય શેઠ જમનાલાલજી બજાજ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. એઆઈવીઆઈએના વિસ્તરણ બાદ જમનાલાલ બજાજ સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જેબીસીઆરઆઈ)ની સ્થાપના અને 1955માં ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (કેવીઆઇસી) હેઠળ કરવામાં આવી હતી.
(પીટીઆઈ)