નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસે શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો…
સી-60 જવાનોએ નક્સલવાદી કૅમ્પનો નાશ કર્યો: મૃત્યુ પામેલા અથવા જખમી સાથીઓને લઈ નક્સલવાદીઓ જંગલમાં સંતાયા હોવાની શક્યતા

ગઢચિરોલી: રાજ્યના ગઢચિરોલી જિલ્લામાં છત્તીસગઢની સીમાએ ત્રણ સ્થળે લગભગ બે કલાક સુધી ચાલેલા નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર બાદ પોલીસે રાઈફલ, કારતૂસો, ડિટોનેટર સહિતની શસ્ત્રસામગ્રી જપ્ત કરી હતી. પોલીસના સ્પેશિયલ યુનિટ સી-60ના જવાનોએ ઑપરેશન દરમિયાન નક્સલવાદી કૅમ્પનો નાશ કર્યો હતો, પરંતુ અથડામણમાં માર્યા ગયેલા અને જખમી થયેલા સાથીઓને જંગલમાં લઈ જઈ નક્સલવાદીઓ સંતાઈ ગયા હોવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી.
ગઢચિરોલી પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર-છત્તીસગઢની સીમાએ ગઢચિરોલી જિલ્લાના ભામરાગડ તાલુકામાં નવા બંધાયેલા કવંડે બ્રિજથી થોડે જ અંતરે નક્સલવાદીઓનો કૅમ્પ હોવાની માહિતી રવિવારની બપોરે પોલીસને મળી હતી. ભામરાગડ દાલમ દ્વારા ભાંગફોડિયા પ્રવૃત્તિ માટે આ કૅમ્પ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
માહિતીને આધારે એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ એમ. રમેશના વડપણ હેઠળ સી-60ના 200 જેટલા જવાનોએ રવિવારની સાંજથી કૉમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું. જવાનો દ્વારા સર્ચ ચાલતી હતી ત્યારે નક્સલવાદીઓના જૂથે એકાએક અંધાધૂંધ ગોળીબાર કરવા માંડ્યો હતો. વળતા જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો.
ભામરાગડમાં અલગ અલગ ત્રણ સ્થળે લગભગ બે કલાક સુધી આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. ગોળીબાર બંધ થયા પછી પોલીસે સર્ચ કરતાં બે રાઈફલ, એક મૅગેઝિન, અનેક કારતૂસો, ડિટોનેટર્સ, એક રેડિયો, વૉકીટૉકી જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે દાવો કર્યો હતો કે ઑપરેશન દરમિયાન નક્સલવાદી કૅમ્પનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.
એ સિવાય જવાનોના ગોળીબારમાં કેટલાક નક્સલવાદીઓ માર્યા ગયા હતા તો અમુક જખમી પણ થયા હતા, પરંતુ સાથીઓ તેમને લઈને જંગલમાં સંતાઈ ગયા શક્યતા અધિકારીએ વ્યક્ત કરી હતી. સંબંધિત પરિસરમાં હજુ પણ ઑપરેશન ચાલી રહ્યું છે. જંગલ પરિસરમાં બાજનજર રાખવામાં આવી રહી હોવાનો દાવો પણ પોલીસે કર્યો હતો.
આપણ વાંચો: ગઢચિરોલીમાં 11 નક્સલવાદીઓએ સીએમ ફડણવીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું