જી-ટવેન્ટી ભારતની અદભૂત સફળતા
વધુને વધુ વિઝા ભારતીયોને આપવાની પ્રક્રિયા ઝડપી કરાવાશેઃ ક્રિસ્ટોફર એલ્મસ

મુંબઈઃ ભારત દ્વારા જી-20ની પરિષદનું આયોજન એક અદભૂત સફળતા હોવાનું જણાવતાં મુંબઈ સમાચારની મુલાકાતે આવેલા નવી દિલ્હી સ્થિત અમેરિકન (યુએસ) દુતાવાસના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મસે કહ્યું હતું કે આગામી દિવસોમાં ભારતીયોને વધુમાં વધુ વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. તેમણે ભારત સાથેના વ્યાપારિક સંબંધોને આગળ વધારવા માટે તેમની સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ જણાવ્યું હતું.

નવમી અને દસમી સપ્ટેમ્બરે ભારતની આગેવાની હેઠળ જી-ટવેન્ટીની બેઠકમાં અમેરિકાના પ્રમુખ જો બાઈડન સહિત અન્ય દેશના પ્રમુખોએ હાજરી આપી હતી. જી-ટવેન્ટી મોટું અને પ્રતિષ્ઠિત સંગઠન છે અને ભારતે તેનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું એમ તેમણે જણાવ્યું હતું.

ભારત અને અમેરિકાના વેપાર-વાણિજ્યના સંબંધો વધુ મજબૂત બને તેના માટે બંને સરકારો નિરંતર પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, ભારતમાંથી અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સાથે અન્ય લોકોની વિઝા પ્રક્રિયા વધુ ઝડપી બનાવવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે, એમ ક્રિસ્ટોફર એલ્મસે જણાવ્યું હતું.

બુધવારે નવી દિલ્હી યુએસ એમ્બેસીના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મસ, મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલના પ્રવક્તા ગ્રેગ પાર્ડો સહિતના પ્રતિનિધિમંડળે એશિયાના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર’ની 200 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપવા માટે મુલાકાત લીધી હતી. એ વખતે પ્રતિનિધિમંડળે ભવ્ય હેરિટેજ બિલ્ડિંગમાં ફરીને ઐતિહાસિક પ્રિન્ટિંગ મશીન અને વર્તમાન મશીનોની પણ જાણકારી મેળવી હતી.

ફોટો (જયપ્રકાશ કેળકર)