ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વ્યર્થ અરજીઃ હાઇ કોર્ટે નાંદેડના નાગરિકને કર્યો દંડ

મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે સામે વ્યર્થ અરજી દાખલ કરવા બદલ નાંદેડના રહેવાસી પર રૂ. ૨ લાખનો દંડ લાદ્યો છે અને તેમને વ્યક્તિગત રીતે રકમ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
મોહન ચવ્હાણ, જેઓ ફિલોસોફીમાં ડૉક્ટર હોવાનો દાવો કરે છે અને બંજારા સમુદાયના છે, તેમણે દલીલ કરી હતી કે ઠાકરેએ એક કાર્યક્રમ દરમિયાન ચવ્હાણના પૂજારી દ્વારા તેમને આપવામાં આવેલી પવિત્ર રાખ (વિભૂતિ) નહીં લગાડવાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.
જસ્ટિસ એસ. જી મેહરેની સિંગલ બેન્ચે ૨૯ ઓગસ્ટના આદેશમાં જણાવ્યું હતું કે કાયદાનું ઓછું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ પ્રાથમિક દ્રષ્ટિએ કહેશે કે આ “કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ અથવા પ્રખ્યાત અને સેલિબ્રિટી બનવા માટે ન્યાયિક પ્રણાલીનો ઉપયોગ” સિવાય બીજું કંઈ નથી. “આવી અરજીઓ સમાજના આદરણીય સભ્યોની છબિને નીચી કરે છે. મોટાભાગે, આવી અરજીઓ ખોટા હેતુથી દાખલ કરવામાં આવે છે,” હાઈ કોર્ટે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ભાજપનું વિરોધ પ્રદર્શન: એમવીએ શિવાજીની પ્રતિમા તૂટી પડવાને મુદ્દે રાજકારણ કરતું હોવાનો આક્ષેપ
બેન્ચે ચવ્હાણ રૂ. ૨ લાખનો દંડ લાદ્યો હતો, જે ચવ્હાણે ઠાકરેને ત્રણ અઠવાડિયામાં આપવાનો છે અને જો રકમ ચૂકવવામાં નહીં આવે તો કડક પગલાં લેવાની ચેતવણી આપી હતી. કેસની વિગત મુજબ તેમની અરજીમાં, ચવ્હાણે દાવો કર્યો હતો કે તેમના ‘મહંત’ (પૂજારી) એક કાર્યક્રમ માટે ઠાકરેના નિવાસસ્થાને ગયા હતા, જે દરમિયાન શિવસેના (યુબીટી) નેતાને ‘પ્રસાદ’ તરીકે મીઠાઈ તેમજ પવિત્ર રાખ (વિભૂતિ) આપવામાં આવી હતી.
પ્રસાદ અને વિભૂતિ સ્વીકાર્યા પછી, ઠાકરેએ પવિત્ર રાખ પોતાના કપાળ પર લગાવવાને બદલે તેની બાજુમાં ઉભેલી અન્ય વ્યક્તિને આપી હતી, ચવ્હાણે અરજીમાં જણાવ્યું હતું કે, આ કૃત્યથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. ચવ્હાણે નાંદેડની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ઠાકરે સામે ખાનગી ફરિયાદ દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી, જેના પગલે તેણે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
જ્યારે સેશન્સ કોર્ટે પણ કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો, ત્યારે ચવ્હાણે હાઈકોર્ટમાં અરજી કરી. જસ્ટિસ મેહરેએ નોંધ્યું હતું કે મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટે ફરિયાદને યોગ્ય રીતે અયોગ્ય ઘોષિત કરી હતી અને તેને ફગાવી દીધી હતી.